વલસાડ જિલ્લાનાં ઉમરગામના પળગામ ખાતે આવેલ વૃંદાવન ઈન્ડસ્ટ્રિયલ પાર્કમાં ગુજરાત પોલી પ્લાસ્ટ નામે પ્લાસ્ટિકના દાણા બનાવવાની કંપની આવેલી છે. કંપનીના સંચાલક ખુદાબક્ષ લાલમહંમદ શાહ ગત તારીખ ૨૭-૦૯-૨૦૨૬ નારોજ સાંજે રાબેતા મુજબ કંપની બંધ કરીને ઘરે ગયા હતા. પછી બીજા દિવસે વીજ કંપની તરફથી વીજકાપ હોવાથી કંપની બંધ રાખવામાં આવી હતી. તે દરમિયાન કંપનીના માલિકે પોતાના મોબાઈલ ફોનમાં સીસીટીવી કેમેરાનું કનેક્શન તપાસતાં કેમેરા બંધ બતાવતા શંકા જતા કંપની પર પહોંચ્યા હતા.

જ્યાં તપાસ કરતા કંપનીના મુખ્ય દરવાજાના શટરનું તાળું તૂટેલું અને શટર અડધું ખુલ્લું જણાતાં તેઓ અંદર જઈ તપાસતા ગ્રાઉન્ડ ફ્લોર પર રાખેલ સીસીટીવી કેમેરાનું રૂપિયા ૫,૦૦૦ની કિંમતનું DVR સિસ્ટમ ગાયબ હતું. તદ્દઉપરાંત તસ્કરોએ ગ્રાઉન્ડ ફ્લોરના ગ્રાઇન્ડિંગ મશીનનો ૫૦ MMનો ૬૦ મીટર લંબાઈનો કોપર કેબલ જેની કિંમત રૂપિયા ૫૦,૦૦૦, મશીનોનો ૭૦ MMનો ૧૩૦ મીટર લંબાઈનો કોપર કેબલ જેની કિંમત રૂપિયા ૮૦,૦૦૦ તેમજ સોલર પેનલ સાથે જોડાયેલો ૩૫ MMનો ૧૫૦ મીટરનો કોપર કેબલ જેની કિંમત રૂપિયા ૫૫,૦૦૦/-નાં કાપીને ચોરી કરી ફરાર થઈ ગયા હતા. બનાવ અંગે વેપારીએ ઉમરગામ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે અજાણ્યા ચોર ઇસમ વિરુદ્ધ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી હતી.(સૌજન્ય)


