નવસારી જિલ્લાના ઇટાળવાથી સિસોદ્રા જવાના રોડ ઉપર કૃષિ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓની બાઈકને સ્કૂલ બસના ચાલકે અડફેટે લેતા સર્જાયેલા અકસ્માતમાં એક વિદ્યાર્થીનીનું ગંભીર ઇજાના કારણે મોત નીપજ્યું હતું, જ્યારે બાઈક ચાલક અને એક વિદ્યાર્થીનીને ઈજા પહોંચતા સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતાં. મળતી માહિતી મુજબ, મૂળ ઉત્તર ગુજરાતના ઈડરની વતની અને હાલમાં નવસારી કૃષિ યુનિવર્સિટીના હોસ્ટેલમાં રહી જીનેટિક ડિપાર્ટમેન્ટ. MSCમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીની ૨૨ વર્ષીય રિયા પ્રજાપતિ અને વિદ્યાર્થીની ૨૧ વર્ષીય ફિઝા પટેલ તેમની સાથે અભ્યાસ કરતા વિદ્યાર્થી આદિત્ય સોલંકી (રહે.બોટાદ, હાલ રહે.કૃષિ યુનિવર્સિટી હોસ્ટેલ) સાથે બાઈક ઉપર વાંસદા તાલુકાના વણારસી ગામના કૃષિ યુનિવર્સિટીના કેન્દ્રમાં સંશોધન અર્થે ગયા હતાં. ત્યાંથી ત્રણેય બુધવારના બપોરે બાઈક ઉપર ત્રીપલ સવારી નવસારી યુનિવર્સિટી હોસ્ટેલ તરફ પરત થઈ રહ્યા હતાં.
તે સમયે નવસારીના ઇટાળવાથી સિસોદ્રા જવાના રોડ ઉપર સ્કૂલ બસની અડફેટે આવતા ગંભીર ઈજા પામેલી વિદ્યાર્થીની રિયા પ્રજાપતિનું મોત નીપજ્યું હતું. જયારે વિદ્યાર્થીની ફિઝા પટેલ અને બાઈક ચાલક વિદ્યાર્થી આદિત્ય સોલંકીને ઈજા પહોંચતા સારવાર માટે નવસારીની ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતાં. આ અકસ્માતને લઈને કૃષિ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓમાં શોકની લાગણી ફેલાઈ હતી. નવસારી કૃષિ યુનિવર્સિટીમાં અભ્યાસ કરતી પુત્રીના અવસાનના સમાચાર મળતા જ તેના પરિવારજનોમાં શોકની લાગણી ફેલાઈ ગઈ હતી. અકસ્માત અંગે નવસારી રૂરલ પોલીસે સ્કૂલ બસના ચાલક સામે અકસ્માતનો ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.(સૌજન્ય)


