Explore

Search

October 4, 2026

Contact us -7820092500

IAS Coaching

ધરમપુરનાં બિલપુડી ગામે ટેમ્પો અડફેટે બાઈક ચાલક યુવકનું મોત, ટેમ્પો ચાલક સામે ફરીયાદ

વલસાડ જિલ્લાનાં ધરમપુરમાં ટેમ્પોમાં ૩ ભેંસો ભરીને હેરફેર કરનાર સ્થાનિક ઇસમ દ્વારા બિલપુડી ગામે વળાંકવાળા રોડ પર સામેથી આવી રહેલ બાઈકને અડફેટે લઈ સર્જેલ અકસ્માતમાં શેરીમાળ ગામનાં બાઇક ચાલક યુવાનનું મોત નીપજ્યું હતું. અકસ્માત અંગે ધરમપુર પોલીસે ટેમ્પો ચાલક વિરૂધ્ધ બે અલગ-અલગ ગુના નોંધી તેની ધરપકડ કરી હતી. મળતી માહિતી મુજબ, ધરમપુરનાં શેરીમાળ ગામનાં વાંકડી ફળિયામાં રહેતા શ્રમજીવી પરિવારનો જયદિપ ભગુભાઇ માહલા દમણ પોસ્ટ ઓફિસમાં નોકરી કરતો હતો અને ઘરેથી અપડાઉન કરતો હતો.

જોકે ગુરુવારના રોજ જયદિપ તેની સ્પ્લેન્ડર બાઇક લઈને દમણ નોકરીના સ્થળેથી પરત ઘરે ફરતી તે સમયે બરૂમાળ ગામે જમવા ગયો હતો. ત્યાંથી રાત્રીનાં સમયે ઘરે શેરીમાળ જતો હતો, ત્યારે બિલપુડી ગામે સડક ફળિયામાં વળાંકવાળા રોડ પર સામેથી આવી રહેલા ટેમ્પોના ચાલક લિયાકત ગુલહસન આલીસર (રહે.કાનજી ફળિયા, ધરમપુર)એ બાઈકને અડફેટે લેતા બાઈક ચાલક જયદિપ રોડ ઉપર પટકાયો હતો જેથી રોડ ઉપર પટકાતા ગંભીર ઇજા થતાં તેને ૧૦૮ની મદદથી માં શ્રીમદ્ રાજચંદ્ર હોસ્પિટલમાં લઇ જવાયો હતો.

જ્યાં ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કર્યો હતો. જોકે અકસ્માત સર્જનાર ટેમ્પો ચાલકને ટેમ્પો સાથે સ્થળ પર રોકી રાખવામાં આવ્યો હતો. ઘટનાની જાણ થતાં સ્થળ પર પહોંચેલી ધરમપુર પોલીસે અકસ્માત સર્જનાર ટેમ્પોમાં તપાસ કરતા પાછળના ભાગેથી ૩ ભેંસો મળી આવી હતી. આમ, પોલીસે કુલ ૩૦ હજારની કિંમતની ત્રણેય ભેંસોનો પાંજરાપોળ ખાતે મુકવાની તજવીજ હાથ ધરી હતી. તેમજ આરોપી ટેમ્પો ચાલક લિયાકત આલીસર વિરૂધ્ધ અકસ્માત મોત નિપજાવવા તથા કોઇપણ સક્ષમ અધિકારીની પાસ પરમીટ વગર, ગેરકાયદે ભેંસોની હેરફેર અંગે એમ બે ગુના નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.(સૌજન્ય)

Advertisement
error: Content is protected !!