સુરત જિલ્લાનાં પલસાણા તાલુકાનાં બગુમરા ગામની સીમમાં ચપ્પુના ઘા મારીને મોબાઈલ અને રોકડા રૂપિયાની લૂંટ ચલાવવાનો વણશોધાયેલ ગુનો સુરત ગ્રામ્ય એલ.સી.બી. અને પલસાણા પોલીસે ગણતરીના કલાકોમાં જ ઉકેલી કાઢ્યો હતો. આમ, પોલીસે આ કેસમાં રીઢા ગુનેગાર આકાશ ભીમરાવ બહારે સહિત કુલ સાત આરોપીઓને ઝડપી પાડી જેલના સળિયા પાછળ ધકેલી દીધા હતા. તારીખ ૩૦ સપ્ટેમ્બર નારોજ સાંજનાં સમયે બગુમરા ગામમાં વાડીમાં રહી ખેતમજૂરી કરતા બે ભાઈઓ મહેશભાઈ અને કિશનભાઈ સુરેલા બજારમાંથી કરિયાણું અને દૂધ લઈને પગપાળા વાડીએ પરત ફરી રહ્યા હતા.
તે સમયે અંધારામાં રસ્તા પર ચાર અજાણ્યા શખ્સોએ તેમને આંતરીને ગાળો આપી હતી. લૂંટારુઓએ બે ભાઈઓને પકડી રાખી ચપ્પુની અણીએ મહેશભાઈ પાસેથી રૂપિયા ૮૫૦૦ નો વીવો કંપનીનો મોબાઈલ અને કિશનભાઈ પાસેથી ૧૫૦૦ રૂપિયા રોકડા લૂંટી લીધા હતા. આ લૂંટનો કિશનભાઈએ પ્રતિકાર કરતા એક હુમલાખોરે કિશનભાઈના જમણા થાપાના ભાગે ચપ્પુ મારી દીધું હતું અને ફરાર થઈ ગયા હતા.
ઈજાગ્રસ્ત કિશનભાઈને સારવાર માટે ખસેડાયા હતા અને પલસાણા પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ હતી. આ ઘટનાની તપાસ સુરત ગ્રામ્ય પોલીસ અધિક્ષકના માર્ગદર્શનમાં એલ.સી.બી.,પી.આઈ. અને પલસાણા પી.આઈ.ની આગેવાનીમાં ચાલી રહી હતી. તપાસ દરમિયાન પી.એસ.આઈ. અને હેડ કોન્સ્ટેબલને ખાનગી બાતમી મળી હતી કે, આ લૂંટ દસ્તાન ગામે રહેતા આકાશ બહારે અને તેના મિત્રોએ કરી છે. બાતમી મળી હતી કે તેઓ દસ્તાનથી જોળવા જતી નહેર પર ભેગા થયા છે, જેના આધારે પોલીસે દરોડો પાડીને તમામ સાત આરોપીઓને ઝડપી પાડી તમામ વિરુદ્ધ ગુનો નોંધી જરૂરી કાર્યવાહી હાથ ધરે હતી.(સૌજન્ય)


