વલસાડ જિલ્લાનાં બલીઠા કોળીવાડ સ્થિત શ્રીકૃષ્ણા રેસિડન્સીમાં પાન-મસાલાની દુકાન ચલાવતા મૃત્યુંજયકુમાર લક્ષ્મીનંદન સિંહ તારીખ ૩૦ નાંરોજ રાત્રે દુકાન પર હાજર હતા. તે દરમિયાન માધવ રેસિડન્સી-૧, દાંડીવાડ ખાતે રહેતો હેતનકુમાર કિશોરભાઈ રાઠોડ દુકાને આવ્યો હતો અને અંકિતના નામે સામાન આપવાની બાબતે બોલાચાલી કરી હતી. હેતનકુમારે ઉશ્કેરાઈ જઈને વેપારીને અપશબ્દો બોલી ઢીકામુક્કીનો માર મારવા માંડયો હતો. દરમિયાન તેમનો પુત્ર આદિત્ય છોડાવવા આવતા તેને પણ માર માર્યો હતો.
જોકે જમીન પરથ પથ્થર ઉપાડી આદિત્યને મારવાનો પ્રયાસ કરતાં તે ત્યાંથી નાસી ગયો હતો. ત્યારબાદ હેતનકુમારે પથ્થર વડે મૃત્યુંજયકુમારના માથાના ભાગે હુમલો કરતાં લોહી નીકળ્યું હતું. ઈજાગસ્ત વેપારીને તેમના પુત્રએ ઈકો કારમાં જનસેવા હોસ્પિટલમાં સારવાર માટે ખસેડયા હતા. હુમલામાં વેપારીને માથામાં ગંભીર ઈજા તેમજ પુત્ર આદિત્યને જમણી આંખ નીચે ઈજા પહોંચી હતી. ઘટના અંગે પોલીસે હેતનકુમાર રાઠોડ વિરુદ્ધ મારામારી, ગાળો, જાનથી મારી નાખવાની ધમકી અને પથ્થર વડે ઇજા પહોંચાડવાનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.(સૌજન્ય)


