ગઢચિરોલી:મહારાષ્ટ્રના ગઢચિરોલી જિલ્લામાં આવેલી સરકારી અનુદાનિત આદિવાસી આશ્રમશાળાના છાત્રાલયમાં માનવ અધિકારો અને બાળ સુરક્ષા અંગે ગંભીર સવાલો ઉભા કરતી કરુણ ઘટના સામે આવી છે. છાત્રાલયમાં પૂરતા પલંગ અને ખાટલાની સુવિધા ન હોવાને કારણે જમીન પર સૂઈ રહેલી છ વિદ્યાર્થિનીઓને ઝેરી સાપે ડંખ માર્યો હતો. આ ઘટનામાં ત્રણ આદિવાસી વિદ્યાર્થિનીઓનાં મોત નીપજ્યાં છે, જ્યારે અન્ય ત્રણ વિદ્યાર્થિનીઓની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે.
મળતી માહિતી મુજબ, રાત્રિના સમયે છાત્રાલયના રૂમમાં વિદ્યાર્થિનીઓ જમીન પર સૂઈ રહી હતી ત્યારે ઝેરી સાપે તેમને ડંખ માર્યો હતો. સાપના ઝેરની અસર થતાં ત્રણ વિદ્યાર્થિનીઓનાં મોત થયા હતા. અન્ય ત્રણને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી.મીડિયા અહેવાલોના આધારે રાષ્ટ્રીય માનવ અધિકાર પંચ (NHRC)એ ઘટનાની સ્વતઃ નોંધ લીધી છે. અહેવાલોમાં જણાવાયું છે કે છાત્રાલયના માત્ર એક રૂમમાં આશરે 79 વિદ્યાર્થિનીઓ રહેતી હતી. પૂરતા પલંગ ઉપલબ્ધ ન હોવાથી અનેક વિદ્યાર્થિનીઓને જમીન પર ગાદલા કે ચાદર પાથરીને સૂવું પડતું હતું.છાત્રાલય છેલ્લા આશરે 25 વર્ષથી કાર્યરત હોવા છતાં ત્યાં પૂરતી માળખાકીય સુવિધાઓ, જાળવણી અને સુરક્ષા વ્યવસ્થાના અભાવ અંગે પણ સવાલો ઉઠી રહ્યા છે. ગઢચિરોલી જેવા વિસ્તારમાં ચોમાસા દરમિયાન સાપદંશનું જોખમ વધતું હોવા છતાં છાત્રાલયમાં જરૂરી સાવચેતી અને સુરક્ષાત્મક વ્યવસ્થાઓ કેમ કરવામાં આવી નહોતી તે અંગે પણ તપાસ જરૂરી બની છે.ઘટનાની ગંભીરતા ધ્યાનમાં લઈને NHRCએ મહારાષ્ટ્રના મુખ્ય સચિવને નોટિસ પાઠવી છે. પંચે હોસ્પિટલમાં સારવાર લઈ રહેલી વિદ્યાર્થિનીઓને શ્રેષ્ઠ તબીબી સારવાર ઉપલબ્ધ કરાવવા સૂચના આપી છે.
આ ઉપરાંત, છાત્રાલયની કથિત બેદરકારી માટે જવાબદાર અધિકારીઓ સામે શું કાર્યવાહી કરવામાં આવી, મૃતક વિદ્યાર્થિનીઓના પરિવારજનોને વળતર આપવા માટે શું પગલાં લેવાયા તથા ભવિષ્યમાં આવી દુર્ઘટનાઓ અટકાવવા માટે કઈ વ્યવસ્થા કરવામાં આવી તે અંગેનો વિગતવાર એક્શન ટેકન રિપોર્ટ બે અઠવાડિયામાં રજૂ કરવા મહારાષ્ટ્ર સરકારને જણાવાયું છે.આ ઘટનાએ આદિવાસી આશ્રમશાળાઓમાં રહેતા વિદ્યાર્થીઓની સુરક્ષા, રહેણાંક સુવિધા અને સરકારી દેખરેખની વ્યવસ્થા અંગે ગંભીર પ્રશ્નો ઊભા કર્યા છે. હવે તપાસમાં બેદરકારી માટે જવાબદાર કોણ છે અને ભવિષ્યમાં આવી ઘટના ન બને તે માટે સરકાર કયા કડક પગલાં લે છે તેના પર સૌની નજર રહેશે.


