વડોદરા : વડોદરાના માંજલપુર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે ૮૦મા સ્વાતંત્ર્ય પર્વની જિલ્લાકક્ષાની ગૌરવભેર ઉજવણી કરવામાં આવી હતી. નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીએ રાષ્ટ્રધ્વજ ફરકાવી સલામી આપી હતી અને ઉપસ્થિત લોકોને સ્વાતંત્ર્ય પર્વની શુભેચ્છાઓ પાઠવી હતી.
આ પ્રસંગે નાયબ મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, દેશની આઝાદીના ૧૦૦ વર્ષ પૂર્ણ થવામાં હવે માત્ર ૨૦ વર્ષ બાકી છે. તેથી ૮૦મો સ્વાતંત્ર્ય દિવસ માત્ર ઉજવણી નહીં, પરંતુ ‘વિકસિત ભારત@૨૦૪૭’ના લક્ષ્યને સાકાર કરવા આગામી બે દાયકાના આયોજન માટેની પ્રેરણા છે.
તેમણે ગુજરાતના વિકાસનો ઉલ્લેખ કરતાં જણાવ્યું કે, રાજ્ય ઉદ્યોગ, રોકાણ અને રોજગારી ક્ષેત્રે દેશમાં રોલ મોડલ બન્યું છે. છેલ્લા પાંચ વર્ષમાં ૭,૪૦૩ મેગા રોજગાર ભરતીમેળા યોજી ૬.૫૪ લાખથી વધુ યુવાનોને રોજગારી આપવામાં આવી છે. વડોદરા જિલ્લામાં વિકાસકાર્યો, જળસંચય અને પૂર નિયંત્રણ માટે પણ વિવિધ કામગીરી હાથ ધરાઈ છે.
નાયબ મુખ્યમંત્રીએ યુવાનોને દેશની પ્રગતિમાં સહયોગી બનવા તથા ભેદભાવ, દુષણો અને વ્યસનોથી દૂર રહી જવાબદારીપૂર્વક રાષ્ટ્રનિર્માણમાં જોડાવા અપીલ કરી હતી.સમારોહ દરમિયાન વિવિધ ક્ષેત્રોમાં વિશિષ્ટ કામગીરી કરનાર કુલ ૫૬ કર્મચારીઓ, અધિકારીઓ, ખેલાડીઓ અને નાગરિકોને પ્રશસ્તિપત્ર એનાયત કરી સન્માનિત કરવામાં આવ્યા હતા. વિવિધ શાળાના વિદ્યાર્થીઓએ દેશભક્તિપૂર્ણ સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કર્યા હતા, જ્યારે પોલીસ સહિત ૧૯ પ્લાટુન દ્વારા શિસ્તબદ્ધ પરેડ યોજાઈ હતી.
કાર્યક્રમના અંતે ‘એક પેડ મા કે નામ ૨.૦’ અંતર્ગત નાયબ મુખ્યમંત્રી સહિત મહાનુભાવોએ વૃક્ષારોપણ કર્યું હતું.


