ગુજરાતમાં ચોમાસાની શરૂઆત પહેલાં જ પ્રી-મોન્સૂન ગતિવિધિઓ સક્રિય થઈ ગઈ છે. હવામાન વિભાગે આગામી 24 કલાકમાં રાજ્યના કેટલાક ભાગોમાં, ખાસ કરીને દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારોમાં ગાજવીજ સાથે ભારેથી અતિભારે વરસાદની સંભાવના વ્યક્ત કરી છે. જ્યારે રાજ્યના અન્ય જિલ્લાઓમાં પવન ફૂંકાવા સાથે મધ્યમથી સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગની આગાહી વચ્ચે રાજ્યના ઘણાં જિલ્લાઓમાં સવારથી જ વરસાદી માહોલ જામ્યો છે.
હવામાન વિભાગની આગાહી મુજબ, આગામી 24 કલાકમાં અમરેલી, ભાવનગર, સુરત, નવસારી, વલસાડ જિલ્લાઓ તથા સંઘપ્રદેશ દાદરા નગર હવેલી અને દમણમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા છે, જેના પગલે રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.
આ વિસ્તારોમાં વીજળીના કડાકા અને ભારે પવન સાથે વરસાદ વરસી શકે છે. રાજ્યના રાજકોટ, જૂનાગઢ, બોટાદ, ડાંગ, તાપી, ભરૂચ જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે, જેને કારણે હવામાન વિભાગ દ્વારા યલો એલર્ટ જાહેર કરાયું છે. આ જિલ્લાઓમાં પણ વીજળીના કડાકા અને ભારે પવન સાથે વરસાદ થવાની સંભાવના છે.
ઉપર જણાવેલા જિલ્લાઓ સિવાય, સોમવારે રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં મેઘગર્જના સાથે 30-40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની અને મધ્યમથી સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે. અમરેલી જિલ્લાના અનેક તાલુકાઓમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. રાજુલા, સાવરકુંડલા, બાબરા, ધારી, બગસરા અને ખાંભામાં ભારે પવન સાથે ધોધમાર વરસાદ વરસ્યો છે. સાવરકુંડલાના થોરાળી નદી ઉપર ચેકડેમ ઓવરફ્લો થતાં નેરડામાં બળદ ગાડા સાથે પિતા-પુત્ર તણાયા હતા. આ ઘટનામાં પાણીમાં તણાવાથી એક વ્યક્તિનું મોત નીપજ્યું હતું. આ ઉપરાંત ફલકુ અને મેરામણ નદીમાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે.


