સુરત જીલ્લાનાં માંડવી તાલુકાના લુહારવડ ગામની સીમમાંથી પસાર થતા ઝંખવાવથી માંડવી તરફ જતા રોડ પર આવેલ દુધ મોગરા મંદિર સામેના વળાંક પર એક ગંભીર અકસ્માત સર્જાયો હતો. જોકે આ ટ્રક અને બાઈક વચ્ચે થયેલી અકસ્માતમાં બાઈક સવાર બે યુવકોના સ્થળ પર જ મોત નીપજયા હતા. મળતી માહિતી મુજબ, ગતરોજ બપોર સમયે એક ટ્રકના ચાલકે ગફલતભરી રીતે હંકારી બાઈકને સામેથી ટક્કર મારી હતી. 
આ અકસ્માતમાં બાઈક ચાલક જીગ્નેશભાઈ હરસિંગભાઈ ચૌધરી (રહે.સઠવાવ ગામ, ભાથીફળિયું, તા.માંડવી. હાલ રહે.ઘોડબાર,તા.માંગરોળ) તેમજ પાછળ બેસેલા આશિષભાઈ અમીતભાઈ ચૌધરી (રહે.ઘોડબાર ગામ,નિશાળ ફળિયું,તા.માંગરોળ)ને ગંભીર ઈજાઓ પહોંચતા બંનેનું ઘટના સ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું. બનાવ અંગે મૃતક જીગ્નેશભાઈના પિતા હરસિંગભાઈ જગલાભાઈ ચૌધરી દ્વારા માંડવી પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવતાં પોલીસે અજાણ્યા ટ્રક ચાલક વિરુદ્ધ ગુનો નોંધી આગળની કાયદેસરની તપાસ હાથ ધરી હતી.(સૌજન્ય)


