વલસાડ જિલ્લાનાં વાપી ટાઉન પોલીસે મોરાઈ બ્રિજ નીચે વેલ્સપન આઉટલેટ સામે ગાંજાનાં વેચાણની બાતમીનાં આધારે દરોડો પાડી બે ઈસમોને ગાંજાના જથ્થા સાથે ઝડપી પાડયા હતા. મળતી માહિતી મુજબ, વાપી ટાઉન પોલીસ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન મંગળવાર નારોજ રાત્રે મોરાઈ બ્રિજ નીચે વેલ્સપન આઉટલેટ સામેની કેબિન પાસે ગાંજાનું વેચાણ થતું હોવાની બાતમી મળી હતી. ત્યારબાદ પોલીસે ગ્રાહક બની તપાસ કરતાં કેબિનમાં બેઠેલા શખ્સે પોતાના સાથીને ઈશારો કરી બ્રિજના પિલર પાસે સંતાડેલી ગાંજાની પડીકી મંગાવી હતી અને પોલીસે બંનેને ઝડપી પાડયા હતા.
ઝડપાયેલ આરોપીઓમાં અજીતકુમાર નંદકિશોર સુખદેવ શાહ (રહે.બલીઠા) અને જયેન્દ્ર સુભાગભાઈ રણછોડભાઈ નાયક ((રહે.બગવાડા)નો સમાવેશ થાય છે. પોલીસે પિલર પાછળની ઝાડીમાંથી કાળી પ્લાસ્ટિકની કોથળીમાં સંતાડેલી અલગ-અલગ કદની કુલ ૪૭ પડીકીઓ કબજે કરી હતી. જે બાદ એફ.એસ.એલ. અધિકારીની પ્રાથમિક તપાસમાં પદાર્થમાં કેનાબીસના સક્રિય થટકની હાજરી માટેનું પરીક્ષણ પોઝિટિવ આવ્યું હતું. વજન કરતાં પેકિંગ સહિત ૫૭૧ ગ્રામ અને શુદ્ધ ગાંજાનું વજન ૪૯૩ ગ્રામ થયું હતું જેની કિંમત આશરે રૂપિયા ૨૪,૯૫૦ ગણવામાં આવી હતી.
આ ઉપરાંત અજીતકુમાર પાસેથી એક નંગ મોબાઈલ ફોન પણ કબજે કરાયું હતુ. પોલીસની પૂછપરછમાં બંને આરોપીઓએ ગાંજો આલોક કંપની નજીક કેબિન ધરાવતા મનોજ નામના શખ્સ પાસેથી મેળવી છૂટક વેચાણ કરવા માટે રાખ્યો હોવાનું જણાવ્યું હતુ. બનાવ અંગે વાપી ટાઉન પોલીસે બંને આરોપીઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.(સૌજન્ય)


