Explore

Search

June 15, 2026

Contact us -7820092500

IAS Coaching

ખંભાત તાલુકામાં ત્રણ અને પેટલાદમાં બે ઈંચ વરસાદ ખાબક્યો

આણંદ શહેર સહિત જિલ્લામાં શનિવારે દિવસભર બફારા બાદ મોડી સાંજે ભારે પવન અને વીજળીના કડાકા સાથે વરસાદનું આગમન થયું હતું. જિલ્લાના ખંભાત તાલુકામાં ત્રણ અને પેટલાદમાં બે ઈંચ વરસાદ ખાબક્યો હતો. વરસાદમાં આણંદ શહેર સહિત જિલ્લામાં વીજ પૂરવઠો ખોરવાવા સાથે સંખ્યાબંધ ઝાડ પડવાની ફરિયાદો ઉઠી હતી. શહેરમાં ટ્રાફિકજામ પણ સર્જાયો હતો. આણંદ શહેર અને જિલ્લામાં શનિવારે લગભગ સાંજે ૮.૩૦ વાગ્યા પછી વાવાઝોડા અને વીજળીના કડાકા- ભડાકા સાથે વરસાદ તૂટી પડયો હતો.

રાતે ૯ કલાકે વરસાદનું જોર વધતા આણંદ શહેરના મોટાભાગના વિસ્તારો, કાંઠાગાળાના વિસ્તારોમાં વીજળી ડૂલ થઈ ગઈ હતી. લગભગ ૩ કલાક બાદ વીજ પૂરવઠો ફરી શરૂ થયો હતો. હવામાન વિભાગના આંકડા મુજબ છેલ્લા ૨૪ કલાકમાં આણંદ જિલ્લાના ખંભાત તાલુકામાં ૩ ઈંચ, પેટલાદમાં બે ઈંચ જ્યારે સોજીત્રા, તારાપુર અને આણંદ તાલુકામાં એક-એક ઇંચ વરસાદ પડયો હતો. આંકલાવ અને બોરસદ તાલુકાઓમાં નહિવત વરસાદ પડયો હતો. આણંદ કૃષિ હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, ચરોતરમાં અંશતઃ વાદળછાયા વાતાવરણ વચ્ચે ભેજનું પ્રમાણ વધુ રહેશે. મહત્તમ તાપમાન ૪૦ ડિગ્રી આસપાસ રહેવાની સાથે આગામી સપ્તાહમાં ચોમાસું બેસવાની સંભાવના છે. શરૂઆતના દિવસોમાં સામાન્ય વરસાદ પડે તેવી શક્યતાઓ રહેલી છે.

Advertisement
error: Content is protected !!