વલસાડ જિલ્લાનાં ઉમરગામનાં કલગામમાં ફેક્ટરીમાંથી રૂપિયા ૫.૮૩ લાખના કોપર વાયરની ચોરી થઈ હતી. આ ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી. મળતી માહિતી મુજબ, કલગામ ખાતે આવેલી ‘ક્રીશ ફ્લેક્સી પેક્સ પ્રાઈવેટ લિમિટેડ’ ફેક્ટરીમાં રવિવારે ફેક્ટરીમાં પ્રવેશેલા ત્રણ અજાણ્યા ચોરોએ મેન્ટેનન્સ રૂમ બહારથી જોડાણ કરેલો ૬૦ મીટર વાયર અને રૂમની અંદર મૂકેલો નવો ૩૮૦ મીટર વાયર મળી કુલ ૪૪૦ મીટર કોપર કેબલ વાયર કાપી લીધો હતો.
જયારે બીજા દિવસે સવારે ફેક્ટરીમાં વાયર જોવા ન મળતા સુપરવાઈઝરે એચ.આર. મેનેજરે ફોન કરીને જાણ કરી હતી. ત્યારબાદ ફેક્ટરીના અધિકારીઓએ સી.સી.ટી.વી. કેમેરા ચેક કરતાં મોઢે કાળા માસ્ક બાંધેલા ત્રણ ચોર ઇસમ વાયર ચોરી કરતા નજરે પડ્યા હતા. ચોરાયેલ વાયરની કિંમત કુલ રૂપિયા ૫,૮૩,૪૪૦ થાય છે. બનાવ અંગે કંપનીના એચ.આર. મેનેજરે ઉમરગામ પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે અજાણ્યા ચોરો વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.(સૌજન્ય)


