સુરત જિલ્લાનાં કામરેજ ખાતે પત્નીનાં મોતના આઘાતમાં સરી પડેલ ૩૫ વર્ષીય યુવકે એસિડ પી લેતા ચકચાર મચી ગઈ હતી. મળતી માહિતી મુજબ, મૂળ અમરેલી જિલ્લાનાં સાવરકુંડલા તાલુકાનાં થોરડી ગામના વતની અને હાલ કામરેજ ગામના કેનાલ રોડ પર આવેલ રોયલ રેસિડેન્સીના શ્રી હરિ એપાર્ટમેન્ટમાં ત્રીજા માળે રહેતા ૩૫ વર્ષીય પ્રવીણભાઈ પ્રાગજીભાઈ ચુડાસમા (દેવીપૂજક) મજૂરીકામ કરીને પરિવારનું ગુજરાન ચલાવતા હતા.
થોડા સમય પૂર્વે પ્રવીણભાઈની પત્નીનું અવસાન થતા તેના વિયોગમાં સતત ભારે માનસિક તણાવ અને હતાશામાં રહેતા હતા. જેના કારણે તેમણે પોતાના ઘરમાં પડેલું એસિડ પી લીધું હતું. ત્યારે ઝેરી પ્રવાહી પી લેતા તેમની હાલત લથડતા તેમને તાત્કાલિક નવી સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર અર્થે દાખલ કરવામાં આવ્યા હતા. પરંતુ જ્યાં સારવાર દરમિયાન પ્રવિણભાઈનું મોત થયું હતું. ઘટનાની જાણ થતાં કામરેજ પોલીસે હાલ અકસ્માત મોતનો ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી હતી.(સૌજન્ય)


