સુરત જિલ્લાનાં માંગરોળ તાલુકાના લીમોદરા ગામની સીમમાંથી પસાર થતી કાકરાપાર નહેરમાં મિત્રો સાથે માતાજીની મૂર્તિનું વિસર્જન કરવા ગયેલ ૧૯ વર્ષીય પરપ્રાંતીય યુવક નહેરના ઊંડા પાણીમાં ગરકાવ થઈ જતા ચકચાર મચી ગઈ હતી. મળતી માહિતી મુજબ, મૂળ ઉત્તર પ્રદેશમના દેવરિયા જિલ્લાના હરૈયા પંડિત ગામનો વતની ૧૯ વર્ષીય રવિકુમાર સત્યનારાયણ યાદવ કામરેજ તાલુકાના સેવણી ગામે ગોપીન ઈન્ડસ્ટ્રીઝમાં આવેલ એક ટેક્સટાઈલ કંપનીમાં નોકરી કરતો હતો અને ત્યાં જ રૂમમાં રહેતો હતો. ત્યારે રવિકુમાર પોતાનાં મિત્રો સાથે કરંજ ગામેથી માતાજીની મૂર્તિ વિસર્જન કરવા માટે લીમોદરા ગામની સીમમાં નહેરનાં પુલિયા પાસે પહોંચ્યો હતો.
જોકે વિસર્જન કરતી વખતે અકસ્માતે તેનો પગ લપસી જતા તે કાકરાપાર જમણા કાંઠાની નહેરનાં ઊંડા પાણીમાં ખાબક્યો હતો અને જોતજોતામાં નહેરનાં તેજ પ્રવાહમાં યુવક તણાઈ ગયો હતો. ઘટનાના પગલે સાથે રહેલા મિત્રોએ બૂમાબૂમ કરી મૂકી હતી અને આસપાસનાં લોકોની મદદથી નહેરના કિનારે દૂર સુધી યુવાનની શોધખોળ આદરી હતી. પરંતુ લાંબી જહેમત છતાં તેનો કોઈ પત્તો ન મળતા આખરે પાલોદ પોલીસ મથકે સમગ્ર મામલે જાણ કરવામાં આવી હતી. ઘટના અંગે પાલોદ પોલીસે આ મામલે જાણવાજોગ ફરિયાદ દાખલ કરી જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી.(સૌજન્ય)


