વલસાડ જિલ્લાનાં ઉમરગામનાં ગાંધીવાડી હરીદર્શન સોસાયટીમાં ટીવી રિપેરિંગના પૈસા આપવા બાબતે થયેલ ઝઘડામાં ચાર ઈસમોએ લાકડી વડે ચારને માર માર્યાની ફરિયાદ ઉમરગામ પોલીસ મથકે નોંધાઈ હતી. મળતી માહિતી મુજબ, નકુલ યાદવના ભાઈએ અગાઉ પથ્થર મારી ધર્મેન્દ્રકુમારના ઘરનું ટીવી તોડી નાખ્યું હતું. ટીવી રિપેર કરાવ્યા બાદ તેના પૈસા માંગતા વિવાદ થયો હતો. રવિવારના રોજ નકુલ યાદવ, તેના ત્રણ મિત્રો સાથે સોસાયટીના પાર્કિંગમાં આવ્યા હતા.
ત્યારબાદ સત્યમ વિજય સિંગ, શીવમ વિજય સિંગ તથા સત્યમ મિશ્રા સાથે ઝઘડો કરી લાકડી વડે માર માર્યો હતો. તેમને છોડાવવા વચ્ચે પડેલ ધર્મેન્દ્રકુમાર અર્જુન સિંગને પણ મારમાર્યો હતો. તદ્દઉપરાંત ચારેય ઈસમોએ ગાળો આપી ટીવીના પૈસા ફરી માંગશો તો જાનથી મારી નાખીશું તેવી ધમકી આપી હતી. ઈજાગ્રસ્તોને સારવાર માટે ખસેડાયા બાદ ધર્મેન્દ્રકુમારે નકુલ યાદવ સહિત ચાર અજાણ્યા ઈસમો સામે ફરિયાદ નોંધાવતા ઉમરગામ પોલીસે ગુનો નોંધી આગળની વધુ તપાસ હાથ ધરી હતી.(સૌજન્ય)


