Explore

Search

September 21, 2026

Contact us -7820092500

IAS Coaching

કુકરમુંડા તાલુકામાં નાચવા બાબતે બોલાચાલી બાદ યુવકનું ગળું દબાવ્યાનો આક્ષેપ: બચાવવા ગયેલા સગાને પણ ઈજા

તાપી : કુકરમુંડા તાલુકાના મોદલા ગામે ગણેશ વિસર્જનના જુલૂસ દરમિયાન થયેલી સામાન્ય બોલાચાલીએ ગંભીર સ્વરૂપ ધારણ કરતાં ૨૧ વર્ષીય યુવકનું મોત નીપજ્યું હોવાની ઘટના સામે આવી છે. નાચતી વખતે પગ પર પગ મૂકવાની બાબતે થયેલા ઝઘડા બાદ યુવકનું ગળું દબાવવામાં આવ્યું હોવાનો આક્ષેપ છે. બનાવને પગલે પંથકમાં ચકચાર મચી ગઈ છે.મળતી માહિતી મુજબ, કુકરમુંડા તાલુકાના રાજપુર ગામના વળવી ફળિયામાં રહેતા પરશુરામભાઈ શ્રાવણભાઈ વળવીનો પુત્ર શંકરભાઈ પરશુરામભાઈ વળવી ગણેશ વિસર્જનના જુલૂસમાં નાચવા માટે મોદલા ગામે ગયો હતો. રાત્રિના આશરે પોણા આઠ વાગ્યાના સુમારે રાજુશેઠની દુકાન નજીક બેન્ડની પાછળ નાચતી વખતે મહારાષ્ટ્રના નંદુરબાર જિલ્લાના તલોદા તાલુકાના મોદલપાડા ગામના વિશાલભાઈ રવિન્દ્રભાઈ પાડવી સાથે પગ પર પગ મૂકવાની બાબતે બોલાચાલી થઈ હતી.

આ બોલાચાલી બાદ વિશાલભાઈએ શંકરભાઈના ગળાના ભાગે પકડી ગળું દબાવ્યું હોવાનો આક્ષેપ છે. શંકરભાઈ બેભાન થઈને જમીન પર ઢળી પડ્યા હતા. દરમિયાન તેમને છોડાવવા વચ્ચે પડેલા મેહુલભાઈ વિલાશભાઈ વળવીને પણ ગળાના ભાગે નખ મારી ઈજા પહોંચાડવામાં આવી હોવાનું જાણવા મળે છે.

ઘટના બાદ શંકરભાઈને ૧૦૮ એમ્બ્યુલન્સ મારફતે કુકરમુંડા સરકારી દવાખાને લઈ જવામાં આવ્યા હતા. જોકે, ફરજ પરના તબીબે તપાસ બાદ તેમને મૃત જાહેર કર્યા હતા. બનાવની જાણ થતાં પરિવારજનો અને સગા-સંબંધીઓ હોસ્પિટલ ખાતે દોડી આવ્યા હતા. યુવાનના મોતથી પરિવાર સહિત રાજપુર અને મોદલા પંથકમાં શોકની લાગણી ફેલાઈ છે.

બનાવ અંગે પોલીસે તપાસ હાથ ધરી છે અને સમગ્ર ઘટનાક્રમ તથા જવાબદારી અંગે વધુ વિગતો તપાસ બાદ સ્પષ્ટ થશે.

Advertisement
error: Content is protected !!