Explore

Search

August 16, 2026

Contact us -7820092500

IAS Coaching
Latest News

ઘીના નામે ભેળસેળનો કાળો કારોબાર ઝડપાયો : કામરેજના ધોરણ પારડીમાં LCBની કાર્યવાહી : પામ ઓઈલ, વનસ્પતિ ઘી અને સોયાબીન તેલમાંથી ‘કાઉઝ ઘી’ તૈયાર કરી વેચાતું હોવાનો પર્દાફાશ

સુરત ગ્રામ્ય એલ.સી.બી.એ કામરેજ તાલુકાના ધોરણ પારડી ગામની સીમમાં આવેલા હિંદવા ડ્રીમ્સ ઇન્ડસ્ટ્રીઝમાં દરોડો પાડી કથિત ભેળસેળયુક્ત ઘીના ગેરકાયદેસર ઉત્પાદન અને વેચાણનો પર્દાફાશ કર્યો છે. ‘કૈવલ ફૂડ પ્રોડક્ટ’ના નામે ચાલતી કામગીરીમાં પામ ઓઈલ, વનસ્પતિ ઘી અને સોયાબીન તેલ જેવા પદાર્થોનો ઉપયોગ કરીને ‘Shri ANMOL RATNA COW’s GHEE’ નામે ગાયનું ઘી તરીકે ઉત્પાદન કરવામાં આવતું હોવાની પોલીસને માહિતી મળી હતી.

પોલીસના જણાવ્યા મુજબ, આરોપી અંકિતકુમાર રાજેશકુમાર મોદી (ઉં.વ. ૩૨) સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. પ્રાથમિક તપાસમાં ડેરી પ્રોડક્ટના લાયસન્સની આડમાં ભેળસેળયુક્ત પદાર્થોનું ઉત્પાદન અને પેકિંગ કરવામાં આવતું હોવાની વિગતો સામે આવી છે.દરોડા દરમિયાન પોલીસને મોટી માત્રામાં પામ ઓઈલ અને વનસ્પતિ તેલનો જથ્થો, ‘Shri ANMOL RATNA COW’s GHEE’ના લેબલ-સ્ટીકર, ડબ્બા અને પાઉચ સહિતની પેકિંગ સામગ્રી મળી આવી હતી. આ ઉપરાંત ફિલિંગ મશીન, પાઉચ પેકિંગ મશીન, પ્રિન્ટિંગ મશીન તથા કોમર્શિયલ ગેસના બાટલા સહિતનો સાધન-સામાન પણ કબજે કરવામાં આવ્યો છે.LCBની કાર્યવાહીમાં કુલ રૂ. ૫૨,૭૯,૭૬૧નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું છે. પોલીસની કાર્યવાહીથી કથિત રીતે ગેરકાયદેસર રીતે ચાલતા આ કારોબારનો પર્દાફાશ થતાં ભેળસેળિયા તત્વોમાં ફફડાટ ફેલાયો છે.

ગાયના ઘીના નામે અન્ય તેલ-ચરબીયુક્ત પદાર્થોનું મિશ્રણ કરીને વેચાણ કરવાનો આક્ષેપ માત્ર કાયદાનો ભંગ નથી, પરંતુ ગ્રાહકોના વિશ્વાસ સાથે પણ ગંભીર ચેડાં સમાન છે. ખાસ કરીને ધાર્મિક અને આરોગ્યલક્ષી ઉપયોગ માટે ગાયનું ઘી ખરીદતા ગ્રાહકોને જો હકીકતથી અજાણ રાખવામાં આવ્યા હોય તો મામલો વધુ ગંભીર બને છે.

પોલીસ દ્વારા જપ્ત કરાયેલા નમૂનાઓની ફૂડ સેફ્ટી સત્તાવાળાઓ મારફતે તપાસ સહિતની કાર્યવાહી બાદ સમગ્ર મામલાની હકીકત વધુ સ્પષ્ટ થશે. ભેળસેળ સાબિત થાય તો જવાબદારો સામે કાયદા મુજબ કડક કાર્યવાહી થવી જરૂરી છે.

Advertisement
error: Content is protected !!