ગોધરા: પંચમહાલ જિલ્લાના કાલોલ પોલીસ સ્ટેશન સાથે સંકળાયેલા બે પોલીસકર્મી સહિત ત્રણ શખ્સોને રૂ.15 હજારની લાંચ લેવાના કેસમાં એ.સી.બી.એ સફળ ટ્રેપ ગોઠવી ઝડપી પાડ્યા છે.
એ.સી.બી.ના જણાવ્યા મુજબ, ઓનલાઇન જુગારના કેસમાં ઝડપાયેલા એક વ્યક્તિના કેસની પતાવટ કરી આપવા માટે આરોપીઓએ ફરિયાદી પાસેથી શરૂઆતમાં રૂ.20 હજારની લાંચ માંગી હતી. રકઝક બાદ રૂ.15 હજાર લેવાનું નક્કી થયું હતું. લાંચ આપવા ઇચ્છા ન હોવાથી ફરિયાદીએ એ.સી.બી.ના ટોલ ફ્રી નંબર 1064 પર સંપર્ક કરી ફરિયાદ નોંધાવી હતી.
ફરિયાદના આધારે તા.9 ઓગસ્ટ, 2026ના રોજ નારણપુરા નર્મદા કેનાલ ચોકડી ખાતે એ.સી.બી.એ છટકું ગોઠવ્યું હતું. દરમિયાન આરોપી ધર્મેન્દ્રસિંહ ઉર્ફે નોનભાઈ કનકસિંહ રાઠોડે ફરિયાદી પાસેથી રૂ.15 હજારની લાંચ સ્વીકારતાં એ.સી.બી.ની ટીમે તેને ઝડપી લીધો હતો. તપાસ દરમિયાન પોલીસકર્મીઓ સાથે થયેલી હેતુલક્ષી વાતચીતના આધારે કાલોલ પોલીસ સ્ટેશનના પોલીસકર્મી આશિષભાઈ કટારા અને જશપાલસિંહ યશવંતસિંહ પરમારની પણ સંડોવણી સામે આવી હતી.
એ.સી.બી.એ લાંચની સંપૂર્ણ રૂ.15 હજારની રકમ રિકવર કરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.


