સુરત શહેરમાં આવતીકાલે એટલે કે તારીખ ૨૫ સપ્ટેમ્બરનાં રોજ યોજાનારી ગણેશ વિસર્જન યાત્રાને પગલે જાહેર પરિવહન સેવા પર મોટી અસર જોવા મળશે. વિસર્જન યાત્રાઓના કારણે શહેરના મુખ્ય માર્ગો પર ટ્રાફિક ખોરવાવાની શક્યતાને ધ્યાનમાં રાખીને મ્યુનિ. તંત્ર દ્વારા તમામ બીઆરટીએસ અને સિટી બસ સેવાઓ એક દિવસ માટે સંપૂર્ણપણે બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
હાલમાં સુરત મ્યુનિ. દ્વારા ૪૧૮ કિલોમીટરના રૂટ પર ૩૮૫ બીઆરટીએસ અને ૪૪૦ સિટી બસ મળીને કુલ ૮૨૫ બસોનું સંચાલન કરવામાં આવે છે, જેમાં રોજના અઢી લાખથી વધ મુસાફરો મુસાફરી કરે છે. આવતીકાલે અઠવાગેટ, અડાજણ, ઉધના-મગદલ્લા રોડ, પર્વત પાટિયા, ભાઠેના, ડભોલી, વેસુ, રાંદેર અને હજીરા જેવા વિસ્તારોમાંથી વિશાળ વિસર્જન યાત્રાઓ નીકળનાર હોવાથી બસોના ચક્ર વિભાગની સૂચના અને વિસર્જન રૂટ પર ટ્રાફિક વ્યવસ્થા જાળવવાના હેતુથી આ નિર્ણય લેવાયો છે. જો બસ સેવા ચાલુ રખાય તો બસો ટ્રાફિકમાં ફસાઈ જવાથી મુસાફરોને ભારે હાલાકી ભોગવવી પડે તેમ હતી. આ નિર્ણયથી નોકરી, ધંધા, શિક્ષણ અને દૈનિક કામકાજ માટે જાહેર પરિવહન પર નિર્ભર રહેતા ૨.૫ લાખથી વધુ મુસાફરોને મુસાફરી માટે વૈકલ્પિક વ્યવસ્થા કરવી પડશે. વધુમાં મ્યુનિ. તંત્રએ મુસાફરોને અગાઉથી મુસાફરીનું આયોજન કરવા અપીલ કરી છે.


