વલસાડ જિલ્લાનાં વાપી તાલુકાનાં ડુંગરી ફળિયામાં આવેલ બંગલામાં વહેલી સવારે પટેલ પરિવારની ૭૫ વર્ષીય વૃદ્ધાને બંધક બનાવી બે લૂંટારૂ શરીર પર પહેરેલા જ તોલા સોનાનાં દાગીના જેની કિંમત રૂપિયા ૭.૫૦ લાખની લૂંટ કરી હતી. મળતી માહિતી મુજબ, વાપીના ડુંગરા વિસ્તારમાં આવેલ ડુંગરી ફળિયામાં રહેતા મહેશભાઈ પટેલની ૭૫ વર્ષીય માતા નાનીબેન શુકકરભાઈ પટેલ બુધવારે વહેલી સવારે નિંદ્રામાંથી જાગ્યા બાદ પાછળના ભાગે ચૂલા પર પાણી ગરમ કરી રહ્યા હતા.
તે સમય દરમિયાન અચાનક બે લૂંટારૂઓએ ધસી આવી નાનીબેન કંઈ બોલે કે પછી સમજે તે પહેલા ધાકધમકી આપી થોડે દુર પેજારીમાં લઈ જઈ હાથ-પગ બાંધી બંધક બનાવી દીધા હતા. ત્યારબાદ બંને લૂંટારૂઓએ નાનીબેનના શરીર પર પહેરેલા રૂપિયા ૭.૫૦ લાખની કિંમતના ૬ તોલા દાગીનાની લૂંટ કરી ભાગી ગયા હતા. નાનીબેને બુમાબુમ કરતા પુત્ર મહેશ પટેલ સહિત પરિવારજનો દોડી ગયા હતા. વહેલી સવારે લૂંટની ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવા પામી હતી. ઘટનાને પગલે સ્થાનિક લોકો પણ એકત્રિત થઈ ગયા હતા. ૩૦થી ૩૫ વર્ષીય બંને લૂંટારુઓએ નાનીબેનને બંધક બનાવ્યા બાદ બંને કાનમાંથી સોનાની બુટ્ટી ખેંચી લેતા તેઓએઈજા પહોંચી હતી.
ઘટનાની જાણ થતાં પોલીસ હરકતમાં આવી ગાઈ હતી. પોલીસની ટીમે આસપાસ સહિતના અનેક સ્થળોએ સીસીટીવી કેમેરાની ચકાસણી હાથ ધરી હતી. બંગલાના આગળના ભાગે સીસીટીવી કેમેરા લગાવેલા છે. વધુમાં બંને લૂંટારૂઓ કાદવ કિચ્ચડમાંથી બંગલાના પાછળના ભાગે પહોંચી લૂંટ ચલાવી તળાવ રોડ પરથી પગપાળા જતાં હતા. તે સમયે મોર્નિંગ વોકિંગ કરી રહેલા એક શખ્સે બંનેની શંકાના આધારે પૂછપરછ કરતા બંનેએ, ‘કિચ્ચડ મે ગીર ગયે’ એમ જણાવી નીકળી ગયા હોવાનું જાણવા મળી રહ્યું છે. ચોરી અંગે ડુંગરા પોલીસે લૂંટનો ગુનો નોંધી આગળની વધુ તપાસ હાથ ધરી હતી.(ફાઈલ ફોટો)


