Explore

Search

June 19, 2026

Contact us -7820092500

IAS Coaching

પાવાગઢમાં વરસાદી કહેર: ડુંગર પરથી પથ્થરો ધસી પડતાં બે શ્રદ્ધાળુઓના મોત, બચાવ કામગીરી ચાલુ

પંચમહાલ જિલ્લાના યાત્રાધામ પાવાગઢમાં શુક્રવારે વહેલી સવારે ભારે વરસાદ વચ્ચે દુઃખદ અકસ્માત સર્જાયો હતો. ડુંગર પરથી અચાનક ભારે પથ્થરો ધસી પડતાં બે શ્રદ્ધાળુઓના મોત થયા હોવાનું સામે આવ્યું છે. ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં શોકનું વાતાવરણ છવાઈ ગયું છે, જ્યારે હજુ પણ કેટલાક લોકો કાટમાળ નીચે ફસાયેલા હોવાની આશંકાને આધારે બચાવ કામગીરી ચાલુ રાખવામાં આવી છે.

પ્રાથમિક માહિતી મુજબ ઘટના સવારે અંદાજે 5 વાગ્યાની આસપાસ બની હતી. છેલ્લા કેટલાક દિવસોથી પડી રહેલા ભારે વરસાદને કારણે ડુંગર પર પાણીનો પ્રવાહ વધી ગયો હતો. પાણીના સતત ધસારાને કારણે માટી ધોવાઈ જતાં પાટિયાપુલ નજીકના મોટા પથ્થરો અચાનક નીચે ગબડી પડ્યા હતા. તે સમયે માતાજીના દર્શન માટે જઈ રહેલા શ્રદ્ધાળુઓ પથ્થરોની ઝપેટમાં આવી ગયા હતા.દુર્ઘટના બાદ હાથ ધરાયેલી પ્રાથમિક શોધખોળ દરમિયાન બે યાત્રિકોના મૃતદેહ બહાર કાઢવામાં આવ્યા છે. જોકે, હજુ પણ કેટલાક લોકો પથ્થરોના કાટમાળ નીચે દબાયેલા હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. જેના કારણે રાહત અને બચાવ કામગીરી યુદ્ધના ધોરણે ચાલી રહી છે.

ઘટનાની જાણ થતાં જ રોપ-વેની સ્થાનિક ટીમ સૌથી પહેલા સ્થળ પર પહોંચી હતી અને પથ્થરો નીચે ફસાયેલા લોકોને બહાર કાઢવા માટે કામગીરી શરૂ કરી હતી. ત્યારબાદ પાવાગઢ પોલીસ સહિત સ્થાનિક વહીવટી તંત્રનો કાફલો પણ ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. પોલીસ દ્વારા વિસ્તારને સુરક્ષિત બનાવી સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે.પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે સતત વરસી રહેલા ભારે વરસાદના કારણે ડુંગરની માટી નબળી પડતાં અને પાણીના જોરદાર પ્રવાહને કારણે વિશાળ પથ્થરો ખસી પડ્યા હતા. અધિકારીઓ સમગ્ર ઘટનાની તપાસ કરી રહ્યા છે અને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે.

Advertisement
error: Content is protected !!