Explore

Search

August 10, 2026

Contact us -7820092500

IAS Coaching

વિશ્વ આદિવાસી દિવસે સુરત સિવિલમાં એકસાથે બે અંગદાન,૬ દર્દીઓને મળશે નવજીવન

વિશ્વ આદિવાસી દિવસના અવસરે સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં ગુજરાતમાં પ્રથમવાર એકસાથે બે અલગ-અલગ ઓપરેશન થિયેટરમાં બે બ્રેઈનડેડ દર્દીઓના સફળ અંગદાન કરવામાં આવ્યા હતા. બંને દાતાઓના લીવર અને કિડની સહિત કુલ છ અંગો જરૂરિયાતમંદ દર્દીઓના પ્રત્યારોપણ માટે મોકલવામાં આવ્યા છે.નવસારી જિલ્લાના જલાલપોર તાલુકાના સિસોદ્રાના ૫૦ વર્ષીય ખેડૂત સ્વ. કાળુભાઈ ચીમનભાઈ હળપતિનું અકસ્માત બાદ બ્રેઈનડેડ થતાં તેમના પરિવારજનોએ લીવર અને બંને કિડનીનું દાન કરવાનો સંકલ્પ કર્યો હતો. તેમના અંગો અમદાવાદની IKDRC હોસ્પિટલ ખાતે મોકલવામાં આવ્યા હતા.

બીજા અંગદાતા મૂળ ઉત્તર પ્રદેશના પ્રયાગરાજ જિલ્લાના અને નવસારીમાં માળી તરીકે કામ કરતા ૨૩ વર્ષીય સ્વ. રિંકુ કમલાશંકર ભારતીય હતા. અકસ્માત બાદ સારવાર દરમિયાન તેમને બ્રેઈનડેડ જાહેર કરાયા હતા. પરિવારની સંમતિથી તેમનું લીવર અને એક કિડની IKDRC હોસ્પિટલ, અમદાવાદ તથા બીજી કિડની કિરણ હોસ્પિટલ, સુરત ખાતે પ્રત્યારોપણ માટે મોકલવામાં આવી હતી.

નવી સિવિલ હોસ્પિટલના તબીબી અધિક્ષક ડો. પારૂલ વડગામાના માર્ગદર્શન હેઠળ થયેલા આ બંને અંગદાન નવી સિવિલ હોસ્પિટલના ૯૭મા અને ૯૮મા સફળ અંગદાન બન્યા છે. તબીબો, નર્સિંગ સ્ટાફ, કાઉન્સેલરો, સુરક્ષા કર્મચારીઓ અને અંગદાન ચેરિટેબલ ટ્રસ્ટના સ્વયંસેવકોના સહયોગથી સમગ્ર પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવી હતી.

બંને અંગદાતાઓના પરિવારજનોએ દુઃખની ઘડીમાં અંગદાનનો નિર્ણય લઈ માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે. હોસ્પિટલ પરિસરમાં બંને અંગદાતાઓને પ્રાર્થના સભા સાથે અશ્રુભીની શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી.

Advertisement
error: Content is protected !!