વાલોડ-બુહારી રોડ પર આવેલા ગોલણ ગામ નજીક એક મોટરસાઇકલ આકસ્મિક રીતે સ્લિપ થઈ જતાં અકસ્માત સર્જાયો હતો. આ બનાવમાં મોટરસાઇકલ ચાલક યુવકનું સારવાર દરમિયાન મોત નીપજ્યું છે, જ્યારે પાછળ બેસેલો અન્ય એક યુવક ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો છે.
પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, ગત ૨૪ એપ્રિલ ૨૦૨૬ના રોજ રાત્રિના આશરે ૧૧:૩૦ વાગ્યે અંધાત્રી ગામના રહેવાસી જયકુમાર વિનોદભાઈ ચૌધરી (ઉં.વ.૩૦) તેમના મિત્ર રવજીભાઈ મહેન્દ્રભાઈ પટેલ સાથે બાઇક નંબર જીજે/૨૬/એજે /૦૧૪૪ પર માંગરોળ ખાતે આવેલા હનુમાન મંદિરે જવા નીકળ્યા હતા. ગોલણ ગામના જય સીયારામ પેટ્રોલ પંપ નજીક અચાનક રસ્તામાં કૂતરું આડું ઊતરતાં જયકુમારે સ્ટેઇરિંગ પરનો કાબૂ ગુમાવી દીધો હતો. બાઇક સ્લિપ થઈને નીચે પડી જતાં બંને મિત્રોને માથા તેમજ શરીરના અન્ય ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી.
બંને ઈજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર માટે વ્યારા જનરલ હોસ્પિટલ અને ત્યારબાદ વધુ સારવાર માટે સુરતની સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમિયાન ૨૮ એપ્રિલના રોજ જયકુમાર ચૌધરીનું મોત નીપજ્યું હતું. આ ઘટના અંગે મૃતકના મોટા ભાઈ તેજશકુમાર ચૌધરીએ વાલોડ પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

