Explore

Search

May 28, 2026

Contact us -7820092500

IAS Coaching

Police Fir : ઓઈલ આપવાના બહાને વેપારી સાથે લાખો રૂપિયાની છેતરપિંડી

હૈદરાબાદના કુકટપલ્લીની બાલાજી નગર એ.પી.એચ.બી. કોલોનીમાં રહેતા અને ‘મેસર્સ કાર્તિકેયાની આયાત અને નિકાસ સેવાઓ’ નામની પેઢી ચલાવતા કલ્લમ નવીન રેડ્ડીને ઔદ્યોગિક ઓઇલની જરૂરિયાત હતી. તેથી તેમણે કર્ણાટકના શ્રીનિવાસ મૂર્તિ અને ચેન્નાઈના રાધન કુમારનો સંપર્ક કર્યો હતો. રાધન કુમારે મુંબઈના અજય એચ.મિશ્રા નામના વ્યક્તિની ઓળખ આપી હતી અને માલ આપવા જણાવ્યું હતું. ત્યારબાદ અજય મિશ્રાએ બનાસકાંઠાના રામપુરા દામા ખાતે રહેતા અને ‘આર.પી. ટ્રેડ લિંક’ (RP Trade Link)ના પ્રોપરાઈટર રમેશભાઈ પીરાજીભાઈ ગુગરવાલ સાથે સંપર્ક કરી ૩૩,૨૧૦ કિલો ઈન્ડસ્ટ્રિયલ ઓઈલનો ઓર્ડર આપ્યો હતો. જે બાદ રેડ્ડીએ ભીલાડ ખાતે આવેલ ‘ભેરુનાથ પેટ્રોકેમીકલ્સ એલ. એલ.પી.’ કંપની ખાતે માલ ભરવા માટે ટેન્કર વાહન મોકલ્યું હતું.

કંપની ખાતે માલ ભરાઈ ગયા બાદ વેપારીએ જાતે આવી સેમ્પલ પાસ કર્યા હતા. ત્યારબાદ તારીખ ૨૩ નારોજ આર.પી. ટ્રેડ લિંકના પ્રોપરાઈટર રમેશભાઈ ગુગરવાલના બેંક ઓફ બરોડાના ખાતામાં ઈન્વોઈસ મુજબની પૂરેપૂરી રકમ રૂ.૨૩,૨૫,૦૧૨ RTGS મારફતે ટ્રાન્સફર કરી દેવામાં આવી હતી. આમ છતાં વાપી-ભીલાડ ખાતેથી ઓઈલ ભરેલું ટેન્કર રવાના કરવામાં આવ્યું ન હતું.

ફરિયાદીએ અઠવાડિયા સુધી સતત ફોલોઅપ લેતા આરોપીઓએ ‘કંપનીમાં ટેકનિકલ સમસ્યા છે’ તેવું બહાનું બતાવી ટેન્કરમાંથી ઓઈલ પરત ઉતારી લીધું હોવાનું જણાવ્યું હતું અને ટૂંક સમયમાં જ બીજા વાહનમાં માલ મોકલી આપવાનો વાયદો કર્યો હતો. જોકે લાંબો સમય વીતી જવા છતાં ન તો ઓઈલનો જથ્થો મોકલવામાં આવ્યો કે, ન તો એડવાન્સ લીધેલા રૂ.૨૩.૨૫ લાખ પરત કરાયા હતા. વધુમાં રમેશભાઈ પીરાજી ગુગરવાલે ત્યારબાદ ફરિયાદીનો ફોન ઉપાડવાનો બંધ કરી દીધો હતો. પોતાની સાથે મોટી છેતરપિંડી થઈ હોવાનું જણાતા કલ્લમ નવીન રેડ્ડીએ કુકટપલ્લી (મેડચલ-મલકાજગીરી જિલ્લો, તેલંગણા)ની ફર્સ્ટ કલાસ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ કોર્ટોમાં ફરિયાદ દાખલ કરી હતી. કોર્ટના વલણ બાદ આ અંગે સાયબરાબાદના KPHB પોલીસ સ્ટેશનમાં ગુનાહિત કાવતરું અને છેતરપિંડીની કલમો હેઠળ દાખલ કરવામાં આવતા પોલીસે રમેશભાઈ ગુગરવાલ (રહે.રામપુરા બનાસકાંઠા) અને અજય મિશ્રા (રહે.મુંબઈ) વિરુદ્ધ ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી હતી.

Advertisement
error: Content is protected !!