Explore

Search

May 19, 2026

Contact us -7820092500

IAS Coaching

નિઝરના વાંકા ગામે કાર અડફેટે આવતાં બાઈક સવાર યુવકનું મોત

નિઝરના વાંકા ગામની સીમમાં આજે એક ગંભીર માર્ગ અકસ્માત સર્જાયો હતો. પુરપાટ ઝડપે આવી રહેલી એક સ્વીફ્ટ કારે મોટરસાયકલને અડફેટે લેતા બાઈક પર સવાર ૨૬ વર્ષના યુવક અને ચાર વર્ષના માસૂમ બાળકનું કમકમાટીભર્યું મોત નીપજ્યું છે, જ્યારે એક મહિલાને ગંભીર ઈજાઓ પહોંચી છે. મળતી માહિતી મુજબ, મહારાષ્ટ્રના નંદુરબાર જિલ્લાના બલવંડ ગામે રહેતા જયપાલસિંગ ભરતસિંગ ગીરાસે (ઉં.વ. ૨૬), તેમના પત્ની નિકીતાબેન (ઉં.વ.૨૧) અને તેમનો ચાર વર્ષનો ભાણેજ નિરજકુમાર ગીરાસે પલ્સર મોટરસાયકલ નંબર એમએચ/૩૯/એઆર/૬૦૪૩ પર પ્રતાપપુરથી પોતાના ગામ જઈ રહ્યા હતા.

તે દરમિયાન હથોડાથી વાંકા તરફ જતા રોડ પર હથોડા પુલના વળાંક પાસે સામેથી આવી રહેલી એક સ્વીફ્ટ કારના નંબર એમએચ/૦૪/જીજે/૦૯૩૦ ચાલકે સ્ટેયરિંગ પરથી કાબુ ગુમાવી દીધો હતો અને બાઈકને જોરદાર ટક્કર મારી હતી. આ અકસ્માતમાં બાઈક સવાર ત્રણેય જણા રોડ પર ફેંકાઈ ગયા હતા. જેમાં જયપાલસિંગનું ગંભીર ઈજાઓ થવાને કારણે ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. જ્યારે નિકીતાબેન અને ચાર વર્ષના બાળક નિરજકુમારને તાત્કાલિક ૧૦૮ એમ્બ્યુલન્સ મારફતે નિઝરની સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમિયાન માસૂમ નિરજકુમારે પણ દમ તોડી દીધો હતો. ગંભીર રીતે ઘવાયેલા નિકીતાબેનને વધુ સારવાર માટે નંદુરબાર રિફર કરવામાં આવ્યા છે. આ ઘટના અંગે મૃતક જયપાલસિંગના સાળા નરેન્દ્ર જયસીંગ ગીરાસેએ નિઝર પોલીસ મથકે કાર ચાલક વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી છે.

Advertisement
error: Content is protected !!