
સુરત: સુરત શહેર સાયબર ક્રાઇમ સેલે દેશવ્યાપી સાયબર છેતરપિંડી આચરતી જામતારા-પટના ગેંગનો પર્દાફાશ કરી મુખ્ય સૂત્રધાર ચાંદ સહિત ચાર આરોપીઓને પટનાની હોટલમાંથી ઝડપી પાડ્યા છે. આરોપીઓને ઝડપી લેવા પોલીસે ઝારખંડના જામતારા અને દેવઘરથી બિહારના પટના સુધી 2,456 કિમીનો પ્રવાસ ખેડ્યો હતો.
પોલીસ તપાસમાં ખુલાસો થયો છે કે આરોપીઓ બેંક, RTO ચલણ, સરકારી યોજના અને હોસ્પિટલના નામે બનાવટી APK ફાઇલો તૈયાર કરી વોટ્સએપ મારફતે લોકોને મોકલતા હતા. ખાસ કરીને અસલ એપ જેવી દેખાતી “PNB One.APK” ઇન્સ્ટોલ કરાવ્યા બાદ મોબાઇલનો કબજો મેળવી બેંક ખાતામાંથી રકમ ટ્રાન્સફર કરવામાં આવતી હતી.
મુખ્ય આરોપી ચાંદે અત્યાર સુધીમાં 1,248થી વધુ APK ફાઇલો ખરીદી વિવિધ સાયબર ગેંગોને સપ્લાય કરી હોવાનું તપાસમાં સામે આવ્યું છે. પોલીસે 336 જેટલી બોગસ APK ફાઇલોનો પર્દાફાશ કર્યો છે. આ ફાઇલો દેશભરમાં 31,174થી વધુ મોબાઇલમાં ઇન્સ્ટોલ થઈ હોવાનું તથા 5,613 લોકોના મોબાઇલ હેક કરી અંદાજે રૂ.125.39 કરોડથી વધુની છેતરપિંડી થઈ હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું છે.
સાયબર ક્રાઇમે લોકોને વોટ્સએપ, SMS કે અજાણી લિંક મારફતે મળતી APK ફાઇલ ઇન્સ્ટોલ નહીં કરવા અને એપ માત્ર અધિકૃત એપ સ્ટોર પરથી જ ડાઉનલોડ કરવાની અપીલ કરી છે. સાયબર ફ્રોડ થાય તો તાત્કાલિક 1930 પર સંપર્ક કરવા પણ જણાવાયું છે.


