Explore

Search

May 19, 2026

Contact us -7820092500

IAS Coaching

તાપી : ટીચકપુરા ગામની સીમમાં કાર અને એસ.ટી. બસ વચ્ચે સર્જાયેલા અકસ્માતમાં એકનું મોત

વ્યારા તાલુકામાં શનિવારના રોજ એક ગમખ્વાર માર્ગ અકસ્માત સર્જાયો હતો. ટીચકપુરા ગામની સીમમાં નેશનલ હાઇવે નંબર ૫૩ ઉપર બપોરે આશરે ૨:૦૦ વાગ્યે એક શ્રમિક રોડ ક્રોસ કરી રહ્યો હતો, ત્યારે કાર અને એસ.ટી. બસ વચ્ચે સર્જાયેલા અકસ્માતમાં તેનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું. મળતી વિગતો મુજબ, બારડોલીના બાબેન ગામે રહેતા રઘુનાથલાલ લખારા પોતાના નાના ટેમ્પોમાં ટાઇલ્સ અને માર્બલ ભરીને મજૂર રમેશભાઇ ભીખાભાઇ રાઠોડ (ઉં.વ. ૩૫, રહે. તેન ગામ, બારડોલી) સાથે વ્યારા ખાલી કરવા આવી રહ્યા હતા. મુસાફરી દરમિયાન ટીચકપુરા ગામ પાસે મજૂર રમેશભાઇને તરસ લાગતાં ટેમ્પો સાઇડમાં ઊભો રાખવામાં આવ્યો હતો. રમેશભાઇ રોડની સામેની તરફ આવેલી દુકાને પાણી લેવા માટે હાઇવે ક્રોસ કરી રહ્યા હતા.

તે જ સમયે બારડોલી તરફથી પૂરઝડપે અને ગફલતભરી રીતે આવી રહેલી એક વોક્સવેગન કાર નંબર એમએચ/૧૮/એજે/૯૨૪૭ ના ચાલકે રમેશભાઇને અડફેટે લીધા હતા, જેથી તેઓ રોડ પર પટકાયા હતા. આ દરમિયાન કારની પાછળ જ આવી રહેલી સરકારી એસ.ટી. બસ નંબર જીજે/૧૮/ઝેડટી/૨૫૭૩ ના ચાલકે અચાનક બ્રેક મારી હતી, પરંતુ બસ રોડ પર ઘસડાઈને નીચે પડેલા રમેશભાઇ પરથી પસાર થઇ ગઇ હતી. આ ગંભીર અકસ્માતમાં શ્રમિકને માથા તથા શરીરે ગંભીર ઇજાઓ પહોંચતા તેમનું ઘટનાસ્થળે જ કરૂણ મોત નીપજ્યું હતું.

અકસ્માત સર્જ્યા બાદ કાર ચાલક પોતાની ગાડી રોડ સાઇડમાં ઊભી રાખીને ફરાર થઇ ગયો હતો. બનાવની જાણ થતાં જ પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો અને મૃતકની લાશને પીએમ અર્થે વ્યારા જનરલ હોસ્પિટલ ખસેડી હતી. બનાવ અંગે વ્યારા પોલીસે આ મામલે કાર અને એસ.ટી. બસના ચાલકો વિરુદ્ધ વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Advertisement
error: Content is protected !!