ગાંધીનગરનાં દહેગામના દેવકરણના મુવાડા ગામનું દંપતી ઘરને તાળું મારીને અમદાવાદ પુત્રના ઘરે ગયું હતું તે દરમિયાન તસ્કરોએ બંધ મકાનને નિશાન બનાવીને તેના તાળા તોડી રોકડ રકમ અને દાગીના મળીને ૧૦.૨૭ લાખની ચોરી લીધી હતી. ચોરી અંગે દહેગામ પોલીસે ગુનો દાખલ કરી તપાસ શરૂ કરી હતી. મળતી માહિતી મુજબ, દહેગામના દેવકરણના મુવાડા ગામમાં રહેતા અને અહીં વાસણની દુકાન ચલાવતા વૃદ્ધ છીતરમલ નાથુલાલ સોમાનીએ ફરિયાદ નોંધાવી હતી કે, ગત એક સપ્ટેમ્બરના રોજ તેમનું ઘર બંધ કરીને તેઓ અમદાવાદ વાલ ખાતે રહેતા તેમના પુત્રના ઘરે ગયા હતા. 
તે અને તેમની પત્ની અહીં રહેતા હતા. તે દરમિયાન સવારના સમયે તેમના ગામના સુરેશકુમાર જૈનનો ફોન આવ્યો હતો અને કહ્યું હતું કે, ‘તમારા ઘરની જાળી ખુલ્લી છે અને મુખ્ય દરવાજાનું તાળું તૂટેલું છે’ જેના પગલે તે અને તેમની પત્ની તેમજ દીકરો ચિંતન દેવકરણના મુવાડા ખાતેના ઘરે પરત ફર્યા હતા. જ્યાં ઘરમાં જોતા જાળીને નકુચો તૂટેલી હાલતમાં હતો અને મુખ્ય દરવાજાનું તાળું પણ તૂટેલું હતું. ઘરમાં તપાસ કરતા સામાન વેર વિખેર હાલતમાં હતો અને તિજોરીનું તાળું તોડી નાખવામાં આવ્યું હતું. જેમાંથી ૭૨ હજાર રૃપિયા રોકડા અને ૯.૫૦ લાખ રૂપિયાના સોના ચાંદીના દાગીના ચોરી લેવામાં આવ્યા હતા. જેથી તેમણે આ સંદર્ભે દહેગામ પોલીસને જાણ કરતા પોલીસ સ્થળ ઉપર પહોંચી હતી અને ચોરીનો ગુનો દાખલ કરીને અજાણ્યા તસ્કરોને પકડી પડવા માટે દોડધામ શરૂ કરી છે.

