Explore

Search

May 7, 2026

Contact us -7820092500

IAS Coaching

વ્યારા નગરપાલિકામાં ભવ્ય વિજય બાદ વિવાદનો મધપૂડો છંછેડાયો: ભાજપના પદાધિકારીના પિતાની ટિપ્પણીથી જનતામાં રોષ

વ્યારા નગરપાલિકાની તાજેતરની સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીએ 28માંથી 26 બેઠકો જીતીને ઐતિહાસિક બહુમતી હાંસલ કરી છે. આ વિજયમાં આદિવાસી, દલિત, ઓ.બી.સી. અને અન્ય તમામ સમાજના ગરીબ તથા મધ્યમ વર્ગના મતદારોનો સિંહફાળો રહ્યો છે. જોકે, આ ભવ્ય વિજયના ઉત્સાહ વચ્ચે એક વિવાદાસ્પદ નિવેદનને કારણે નગરના રાજકારણમાં ગરમાવો આવી ગયો છે.

મળતી માહિતી મુજબ, વ્યારા નગર સંગઠનના પૂર્વ મહામંત્રીના પિતા દ્વારા સમાચાર પત્રમાં આપવામાં આવેલા એક નિવેદન (અહેવાલ)માં નગરની જનતા માટે કથિત રીતે ‘લુખ્ખા તત્વો’ અને ‘નમાલા’ જેવા અશોભનીય શબ્દોનો પ્રયોગ કરવામાં આવ્યો છે. આ ટિપ્પણીને પગલે ભાજપને સમર્થન આપનાર વિવિધ સમાજોમાં ભારે નારાજગી જોવા મળી રહી છે.

વ્યારાના વિવિધ સામાજિક વર્ગોનું કહેવું છે કે જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ‘સબકા સાથ, સબકા વિકાસ’ના મંત્ર સાથે દરેક વર્ગને સન્માન આપી રહ્યા છે, ત્યારે સંગઠન સાથે જોડાયેલા જવાબદાર વ્યક્તિઓના પરિવારજન દ્વારા કરવામાં આવેલું આ પ્રકારનું ઉદબોધન લોકશાહીનું અપમાન છે.

દલિત સમાજના યુવા અગ્રણીઓ અને અન્ય સમાજના લોકો દ્વારા આ નિવેદનને સખત શબ્દોમાં વખોડી કાઢવામાં આવ્યું છે. તેઓનું માનવું છે કે ચૂંટણીમાં મત આપનાર દરેક નાગરિક પછી તે ગરીબ હોય કે મધ્યમ વર્ગનો તેના મતના સમાન અધિકારનું અપમાન થયું છે. આ પ્રકારની ભાષા સમાજમાં ભેદભાવ પેદા કરે તેવી છે. નગરની જનતા જેમના પર વિશ્વાસ મૂકીને સત્તા સોંપે છે, તેમના જ સ્વજનો દ્વારા આવી ટિપ્પણી કેટલી યોગ્ય?

નગરના જાગૃત નાગરિકો અને વિવિધ સમાજો દ્વારા માંગ કરવામાં આવી છે કે સાર્વજનિક રીતે વ્યારાની જનતાની માફી માંગવામાં આવે. લોકોમાં એ ચર્ચાએ પણ જોર પકડ્યું છે કે જે વ્યક્તિઓ જનતાના સન્માનની જાળવણી ન કરી શકતા હોય, તેમના હાથમાં નગરનું ભાવિ સુરક્ષિત છે કે કેમ? હાલમાં આ મામલે સોશિયલ મીડિયા અને નગરના ચોરે ને ચૌટે ભારે ચર્ચાઓ ચાલી રહી છે, અને આવનારા દિવસોમાં આ વિવાદ નવો વળાંક લે તેવી શક્યતા છે.

Advertisement
error: Content is protected !!