તાપી જિલ્લામાં ભારતીય જનતા પાર્ટીને મળેલા પ્રચંડ જનાદેશ બાદ હવે વ્યારા નગરપાલિકાના પ્રમુખ-ઉપપ્રમુખની વરણી માટેની પ્રક્રિયા તેજ બની છે. ૨૮માંથી ૨૬ બેઠકો પર જીત મેળવ્યા બાદ પ્રદેશ કક્ષાએથી ચૂંટાયેલા સભ્યોની સેન્સ લેવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. જોકે, પ્રમુખ પદની રેસમાં મહિલા સભ્યોના નામ સામે આવતા જ નગરમાં વિવિધ રાજકીય ચર્ચાઓએ જોર પકડ્યું છે.
મળતી માહિતી મુજબ, નગરપાલિકાના ચૂંટાયેલા ૨૬ પૈકી અંદાજિત ૨૨ થી ૨૪ સભ્યો અને સંગઠનના આગેવાનોએ એકસૂરે વોર્ડ નંબર-૧ ના મહિલા સભ્ય શ્વેતાબેન મનીષભાઈ ગામીતના નામની ભલામણ કરી હોવાનું જાણવા મળે છે. સભ્યોમાં તેમની લોકપ્રિયતા અને સંગઠન સાથેના તાલમેલને કારણે તેમનું પલ્લું ભારે હોવાનું ચર્ચાઈ રહ્યું છે.બીજી તરફ, વોર્ડ નંબર-૩ ના મહિલા સભ્ય ડો. પ્રિયાબેન પટેલનું નામ પણ પ્રમુખ પદની રેસમાં હોવાના અહેવાલ છે. જોકે, આ નામને લઈને નગરના સંગઠન અને ચૂંટાયેલા સભ્યોમાં અસંતોષનો માહોલ જોવા મળી રહ્યો છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, ડો. પ્રિયાબેનના પતિ, જેઓ ભૂતકાળમાં સંગઠનમાં જવાબદારી નિભાવી ચૂક્યા છે, તેમના વિવાદિત વહીવટ અને ભ્રષ્ટાચારના આક્ષેપોને કારણે સભ્યોમાં નારાજગી છે.એવી ચર્ચા છે કે જો ડો. પ્રિયાબેન પ્રમુખ બને તો ખરેખર વહીવટ તેમના પતિ જ કરશે, જેથી તેમની ઉચ્ચ શૈક્ષણિક લાયકાતનો કોઈ અર્થ રહેશે નહીં.પ્રમુખ પદના દાવેદારના પતિ સામે ભૂતકાળમાં કર્મચારી સાથે ગેરવર્તન અને જાતિવિષયક ટિપ્પણી કરવાના ગંભીર આરોપો તેમજ ઓડિયો વાયરલ થયા હોવાના મુદ્દા પણ ચર્ચાના ચકડોળે ચડ્યા છે.એવા પણ આક્ષેપો થઈ રહ્યા છે કે આ ‘સભ્ય-પતિ’ દ્વારા અન્ય સભ્યોને આર્થિક લાલચો આપીને ડો. પ્રિયાબેન માટે સમર્થન મેળવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.
નગરમાં એવી લોકચર્ચા છે કે જો મોવડી મંડળ આ વિવાદો અને લોકલાગણીને ધ્યાને લીધા વિના નિર્ણય લેશે, તો તેની અસર આગામી વિધાનસભાની ચૂંટણીમાં ભાજપના પરિણામો પર પડી શકે છે. ખાસ કરીને, જે લોકોએ ભૂતકાળમાં સંગઠન અને પાલિકાના નામે અંગત હિત સાધ્યા હોવાના આક્ષેપો છે, તેમને ફરી સત્તાના સૂત્રો સોંપાય તો કાર્યકરોમાં ભારે નારાજગી વ્યાપી શકે છે. વ્યારા નગરપાલિકાના પ્રમુખ પદનું આ ઘમાસાણ હવે પ્રદેશ નેતૃત્વના દરબારમાં પહોંચ્યું છે, જ્યાં શૈક્ષણિક લાયકાત અને સામાજિક યોગદાન વચ્ચેના સંતુલનને આધારે અંતિમ નિર્ણય લેવામાં આવશે.

