ખેડાનાં નડિયાદ હેલીપેડ ચોકડી, ચકલાસી ગમનપુરા કાંસ ઉપર તેમજ ચકલાસી એક્સપ્રેસ હાઈવે પર સર્જાયેલા અકસ્માતમાં પાંચ ટુવ્હીલર સવારને ઇજા થઈ હતી. જ્યારે ગાડીમાં ડ્રાઇવરની સાઈડમાં બેઠેલા વ્યક્તિનું ગંભીર ઇજા થતાં મોત નિપજ્યું હતું. બનાવ અંગે જે તે પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી. મળતી માહિતી મુજબ, ઉમરેઠ તાલુકાના ખોરવાડમાં રહેતા ગિરવતભાઈ બળવંતસિંહ ચૌહાણ બાઈક ઉપર રસ્તામાં એક વ્યક્તિને બેસાડી ચકલાસી ચકલાસી ગમનપુરા કાંસ પરથી પસાર થતા હતા. 
ત્યારે મોટરસાયકલ સાથે એકટીવા અથડાતા બાઇક ચાલક અને એક્ટિવા ચાલક સહિત ચાર વ્યક્તિઓને ઈજા થઈ હતી. ચાણસ્મા તાલુકાના સેવાળા ગામના નીતિનભાઈ બાબુભાઈ પટેલ આણંદથી આઇસર ગાડી લઈ મહેસાણા જતા હતા. દરમિયાન અમદાવાદ વડોદરા એક્સપ્રેસ હાઈવે પર ચકલાસી નજીક પાછળ પુરઝડપે આવેલ ગાડી આઇસર પાછળ ઘૂસી ગઈ હતી.
જેથી ગાડીમાં ડ્રાઇવરની સાઈડમાં બેઠેલ ઈસમને ગંભીર ઇજા થતાં સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં આ ઈસમનું મોત નિપજ્યું હતું. આ બંને બનાવ અંગે ચકલાસી પોલીસે ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી. નડિયાદ તાલુકાના કંજોડાના વિષ્ણુપુરામાં રહેતા મગનભાઈ બુધાભાઈ તળપદા મધરાતે નડિયાદથી મોટરસાયકલ લઈને કંજોડા જતા હતા. દરમિયાન નડિયાદ ડાકોર રોડ ઉપર હેલીપેડ ચોકડી નજીક ટ્રકે બાઈકને ટક્કર મારતા બાઈક ચાલક મગનભાઈ બુધાભાઈ તળપદા (ઉ.વ.૩૭)ને રોડ ઉપર પડી જતા ગંભીર ઈજા થઈ હતી. જેથી તેમને નડિયાદ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા. આ બનાવ અંગે નડિયાદ ટાઉન પોલીસે ગુનો દાખલ કર્યો છે.

