સુરત જિલ્લાનાં કામરેજ તાલુકાનાં નવાગામ ખાતે ઘરેથી નીકળ્યા બાદ ગુમ થઈ ગયેલ એક ઈસમની ખોલવડ ગામે તાપી નદીના પાણીમાંથી રહસ્યમય સંજોગોમાં લાશ મળી આવતા પંથકમાં ચકચાર થઈ જવા પામી હતી. મળતી માહિતી મુજબ, કામરેજની નવાગામ કોલોની નવી વસાહતમાં રહેતા ૪૮ વર્ષીય મુકેશ શાંતિલાલ ભાલીયા બે દિવસ અગાઉ રાત્રિના આશરે ૧૦ વાગ્યાના અરસામાં ઘરેથી અચાનક ક્યાંક નીકળી ગયા હતા.
જેથી પરિવારનાં સભ્યોએ તેમની શોધખોળ કરી રહ્યા હતા. તે દરમિયાન ખોલવડ ગામના સ્મશાન ઓવારા પાસે તાપી નદીનાં પાણીમાં તેમનો મૃતદેહ તરતો જોવા મળ્યો હતો. કોઈ અગમ્ય કારણોસર નદીના ઊંડા પાણીમાં ડૂબી જવાથી તેમનું મોત નીપજ્યું હતું. બનાવ અંગે મૃતકનાં પુત્ર સની મુકેશભાઈ ભાલિયાએ કામરેજ પોલીસ મથકે જાણ કરી હતી. બનાવની જાણ થતા કામરેજ પોલીસે ગુનો નોંધી જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી.(સૌજન્ય)


