સુરત જિલ્લાનાં ઓલપાડ તાલુકાનાં વિહારા ગામ નજીક એરથાણથી વિહારા તરફ જતા રોડ ઉપર ચાલી રહેલ એક વૃદ્ધાને પુરઝડપે દોડતા અજાણ્યા બાઇક ચાલકે ટક્કર મારતા વૃદ્ધાનું મોત નીપજ્યું હતું. મળતી માહિતી મુજબ, સોંદામીઠા ગામે હળપતિવાસમાં સુમનબેન ભીખાભાઈ રાઠોડ (ઉ.વ.૬૦) રહેતી હતી. આ વૃદ્ધા તારીખ ૨૬ નારોજ સાંજે ૭:૩૦ કલાકે વિહારા ગામે રોડની સાઈડ ઉપર ચાલીને ઘરે જઈ રહી હતી. 
તે સમયે પૂરઝડપે દોડતી બાઈકનાં અજાણ્યા ચાલકે ગફલતરીતે હંકારી વૃદ્ધાને પાછળથી ટક્કર મારી હતી. જોકે આ અકસ્માત સર્જી અજાણ્યો બાઈક ચાલક ઘટના સ્થળેથી ફરાર થઈ ગયો હતો. આ અકસ્માત ઘટનામાં વૃદ્ધા રોડ ઉપર પટકાતા તેને માથા તથા શરીરના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી, જેથી વૃદ્ધાને ઓલપાડ ખાતેની સરકારી હોસ્પિટલમાં પ્રાથમિક સારવાર અપાયા બાદ વધુ સારવાર માટે ૧૦૮ મારફત સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં લઈ જવાતી હતી, ત્યારે રસ્તામાં જ તેમનું મોત નીપજ્યું હતું.(સૌજન્ય)


