રાજકોટ જિલ્લાનાં રૈયાધારમાં શાંતીનગરના ગેટ સામે મોમાઈનગર-૩ મફતિયાપરામાં એકલા રહેતાં મનસુખભાઈ ટાંક (ઉ.વ.૭૩)ની ચાર દિવસ પહેલાં માથામાં બોથડ પદાર્થનો ઘા ઝીંકી ઘાતકી રીતે હત્યા કર્યા બાદ લાશ સળગાવી દેવાની ચોંકાવનારી ઘટનાનો ભેદ ગાંધીગ્રામ-ર પોલીસે એલસીબીની મદદથી ઉકેલી લીધો હતો. મનસુખભાઈને ખુદ તેના દોહિત્ર હર્ષ બિપીનભાઈ સોલંકી (ઉ.વ.ર૦, રહે.જૂની ગણેશ સોસાયટી શેરી નં.૬, કોઠારીયા મેઈન રોડ)એ માથામાં હથોડીના આડેધડ ઘા ઝીંકી પતાવી દીધા બાદ લાશ પટ્રોલ છાંટી સળગાવી દીધી હોવાનો ખુલાસો થયો છે.
પોલીસ તપાસમાં એવું ખુલ્યું છે કે, આરોપી હર્ષ અમદાવાદના સોનામહોર જવેલર્સમાં નોકરી કરતો હતો. જયાંથી તેણે ૧પ તોલા સોનું ચોરી કરતાં પેઢીના માલીક હર્ષીતભાઈ શાહે તેના વિરૂધ્ધ સોલા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. હર્ષે ચોરી કરેલું સોનું પેડક રોડ પર આવેલી એચબીએફસી બેંકમાં મુકી રૂપિયા ૮.૬પ લાખની ગોલ્ડ લોન લીધી હતી. આ રકમમાંથી તેણે રૂપિયા પ લાખનું દેણું ભર્યું હતું. તે ઓનલાઈન ગેમમાં રૂપિયા એક લાખ હારી ગયો હતો. જે દેણું પણ તેણે ભરી નાખ્યું હતું.
આ ઉપરાંત રૂપિયા એક લાખનો એપલનો ફોન લીધો હતો. બાકીના રૂપિયા બે લાખ પિતાને આપી દીધા હતા.
બાકીની રકમ પોતે ખર્ચી નાખી હતી. ત્યાર પછી સોલા પોલીસે તેની ધરપકડ કરી હતી. જેમાં તેને ચોરી કરેલું સોનું જમા કરાવવાનું આવ્યું હતું. પરિણામે તેના પિતા બીપીનભાઈએ ગોલ્ડ લોનમાં ગીરવે મુકેલું સોનું છોડાવવા માટે સસરા મનસુખભાઈ પાસેથી રૂપિયા ચાર લાખ વ્યાજે લીધા હતા. આ ઉપરાંત અન્ય જગ્યાએથી પણ ઉછીના કે વ્યાજે લઈ તેના પુત્ર હર્ષને છોડાવ્યો હતો. છૂટયા બાદ હર્ષે પણ તેના નાના મનસુખભાઈ પાસેથી ગત માર્ચ માસમાં રૂપિયા ૩પ હજાર વ્યાજે લીધા હતા. જેનું તે રૂપિયા ૧,૮૦૦ વ્યાજ ચુકવતો હતો.
આ ઉપરાંત તેના પિતાએ લીધેલા રૂપિયા ૪ લાખનું રૂપિયા ૪ હજાર વ્યાજ પણ તે જ દર મહિને નાના મનસુખભાઈને આપવા જતો હતો. મનસુખભાઈ છેલ્લા પ૦ વર્ષથી સ્વામિનારાયણ સંપ્રદાય પાળતા હતા. દોહિત્ર હર્ષ વિરૂધ્ધ ગુનો નોંધાતાં નારાજ થયા હતા. જેને કારણે અવાર-નવાર હર્ષ અને તેના માતા-પિતાને પોતાની સમાજમાં બદનામી થયાનું કહી મેણાં મારતા હતા. એટલું જ નહીં પોતે વ્યાજે આપેલી રકમ પરત આપી દેવાની કડક ઉઘરાણી પણ કરતા હતા. જેને કારણે નારાજ થયેલા હર્ષે નાના મનસુખભાઈને પતાવી દેવાનો નિર્ણય લીધો હતો. જેથી કરી તેના મેણાંથી મચી શકાય અને તેની પાસેથી વ્યાજે લીધેલી રકમ પણ આપવી ન પડે.
નક્કી થયા મુજબ ગઈ તારીખ ૮ના રોજ બપોરે હર્ષ પેટ્રોલ ભરેલી બોટલ લઈ નાના મનસુખભાઈના ઘરે પહોંચ્યો હતો. તે વખતે મનસુખભાઈ તિજોરીમાંથી કાગળો કાઢી વાંચતા હતા. પ્રારંભિક વાતચીત થયા બાદ અચાનક હર્ષે ત્યાં પડેલી હથોડીનો એક ઘા નાના મનસુખભાઈના માથામાં જોરથી ઝીંકી તેને પછાડી દીધા બાદ બીજા આઠથી દસ ઘા ઝીંકી પતાવી દીધા હતા. આ પછી લાશ ઉપર કપડાં અને હિસાબના ચોપડા નાખી તેની ઉપર પેટ્રોલ છાંટી આગ ચાંપી દીધી હતી. બાદમાં જાણે કાંઈપણ ન બન્યું હોય તેમ એકટીવા લઈ ઘરે જતો રહ્યો હતો. શરૂઆતથી જ ગાંધીગ્રામ-ર પોલીસ મથકના પી.આઈ. અને એલ.સી.બી. ઝોન-રના પીએસઆઈ આર. એચ. ઝાલાને તેની ઉપર શંકા હતી. પરંતુ મચક આપતો ન હતો. આખરે પોલીસે યુક્તિ-પ્રયુક્તિથી પૂછપરછ કરતાં ભાંગી પડી ગુન્હો કબુલી લીધો હતો.


