Explore

Search

June 14, 2026

Contact us -7820092500

IAS Coaching

સુરત શહેરમાં વહેલી સવારથી શરૂ થયેલ મુશળધાર વરસાદને કારણે જનજીવન ખોરવાયું

સુરત શહેરમાં વહેલી સવારથી શરૂ થયેલા મુશળધાર વરસાદ સામે વરસાદી પાણીનો નિકાલ ન થતાં શહેરને અનેક વિસ્તારોમાં મીની પૂર જેવી સ્થિતિ ઉભી થઈ ગઈ છે અને શહેરના કેટલાક મુખ્ય માર્ગો પર નહેર કે નદી હોય તેવા દ્રષ્યો જોવા મળતા હતા. આ પાણીના ભરાવાના કારણે ઠેર ઠેર ટ્રાફિક જામના દ્રશ્યો જોવા મળ્યા હતા. શહેરમાં મુશળધાર વરસાદ અને પાલિકાની નબળી પ્રિ-મોન્સુન કામગીરીને પગલે સુરતનું જનજીવન ખોરવાયું હતું. સુરતમાં ચોમાસાની તો ધમાકેદાર શરૂઆત થઈ છે પરંતુ તેની સામે પાલિકાની પ્રિમોન્સુન કામગીરી હાંફી ગઈ છે.

પાલિકાની નબળી કામગીરીને પગલે પહેલી વખત સુરતના મુખ્ય ગણાતા અડાજણ પાટીયાથી રામનગરના મુખ્ય માર્ગ નહેર જેવા બની ગયા હતા. આ વિસ્તારમાં મોટી માત્રામાં પાણીનો ભરાવો થયો હતો જેના કારણે કાર કે બાઈક અડધા સુધી ડૂબી જતાં વાહન ચાલકોની હાલત કફોડી થઈ ગઈ હતી.  આ ઉપરાંત રાંદેર ઝોનના વોકવેથી પાલનપોર ગામ અને ન્યુ એલપી સવાણી કેનાલ રોડ પર પણ ઠેર ઠેર તળાવ બન્યા હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા હતા. આ વિસ્તારમાં આવેલા પાલનપોર જકાતનાકા, સુરતના વેડરોડ, સિંગણપોર, હોડી બંગલા વિસ્તારમાં તો રસ્તા પર નદી હોય તેવા દ્રશ્યો સર્જાયા હતા.

આ વિસ્તારમાં ચારેક ફૂટ જેટલા પાણીનો ભરાવો થતાં પાર્ક કરેલા વાહનો અડધા ડૂબી ગયા હતા અને લોકો દુકાનો પણ ખોલી શક્યા ન હતા. જ્યારે સેન્ટ્રલ ઝોનના સલાબતપુરા વિસ્તારમાં આવેલા સપ્તશૃંગી માતાના મંદિરની આસપાસ તો તાપી નદી જ આવી ગઈ હોય તેમ રોડ પરથી પાણી વહેવા લાગ્યા હતા. આ નીચાણવાળા વિસ્તારમાં દર ચોમાસામાં પાણીનો ભરાવો થતાં લોકોની હાલત કફોડી થાય છે, તેમ છતાં પાલિકા તંત્ર આ સમસ્યાનો હલ લાવી શક્યું નથી. તેથી આ વિસ્તારના લોકોએ દર ચોમાસામાં ભારે વરસાદ હોય ત્યારે મીની પૂર જેવી સ્થિતિમાં રહેવું પડી રહ્યું છે. આવી જ રીતે રેશમવાડ કબ્રસ્તાન વિસ્તારમાં પણ પાણીનો ભરાવો થતાં લોકોને હાલાકી થઈ રહી છે. પાલિકાના માનદરવાજા વિસ્તાર તથા ઉમરવાડા જવાહર નગરમાં વિસ્તારમાં વસાહત છે અને દરેક ગલીઓમા પાણીનો ભરાવો થતાં લોકોની હાલત કફોડી થઈ રહી છે.

Advertisement
error: Content is protected !!