વાપીમાં એક યુવક પર જૂની બોલાચાલી અને તકરારને મામલે હુમલો કરવામાં આવતા વિકાસ બ્રિજેશ જાને યાદવ (ઉ.વ.૨૪) હાલ ફુલવાલાની ચાલ, શાલીમાર બેકરી પાછળ, ગીતાનગર ખાતે રહે છે અને વાપી જીઆઈડીસી ફેઝ-૪ સ્થિત પીડીલાઈટ વેરહાઉસમાં નોકરી કરે છે. જોકે ગત તારીખ ૯ જૂનના રોજ પોતાના મિત્ર સાથે દમણ ફરવા ગયો હતો. રાત્રે ઘરે પરત ફર્યા બાદ ઈડા લેવા નીકળ્યો હતો. તે સમયે સનસાઈન ટાવર નજીક પાણીના પ્લાન્ટ પાસે ઉજવલસિંહ ઉર્ફે ઉજ્જુ સાથે બોલાચાલી થઈ હતી.
આ દરમિયાન ઉજ્જુ અને તેના મિત્ર અભિષેક ઝાએ ગાળો બોલી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. બાદમાં વિકાસ શ્રીજી પેલેસ નજીક બેઠો હતો.
ત્યારે અમનસિંહ, નયન રાજવંશી અને રાજેશ ઉર્ફે ખુલ્લા ઝા ત્યાં આવી પહોંચ્યા હતા. આ ત્રણેયએ મળી વિકાસને ગાળો આપી ઝઘડો કર્યો હતો અને મુક્કા તથા લાતો મારી શરીરના વિવિધ ભાગોમાં ઈજાઓ પહોંચાડી હતી. જેથી ફરિયાદ અનુસાર થોડા સમય બાદ અરવિંદ યાદવ પણ ત્યાં આવ્યો હતો અને વિકાસને માર મારી ઉજ્જુનું નામ ફરીથી લેશે તો જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. ત્યારબાદ સૂરજ સુરેશ યાદવએ પણ તેને રોકી ધક્કામુક્કી કરી ગાળો બોલી હતી. હુમલાના કારણે વિકાસને મોઢા, આંખ, જમણા હાથના બાવડા તેમજ બરડાના ભાગે ઈજાઓ પહોંચી હતી. બીજા દિવસે મિત્રો તેને સારવાર માટે વલસાડ સિવિલ હોસ્પિટલમાં લઈ ગયા હતા, પીડિત યુવકે માતા-પિતા સાથે વાતચીત કર્યા બાદ પોલીસમાં ફરીયાદ નોંધાવી હતી.


