જામનગર શહેર અને જિલ્લામાં મેઘરાજાએ 24 કલાકમાં જ ચિત્ર ફેરવી નાખ્યું છે. મોસમના પ્રથમ વરસાદમાં જ 25 માંથી 23 જળાશયોમાં નવા નિરની આવક થઈ છે, અને એક ફૂટથી ચાર ફૂટ સુધીનું નવું પાણી આવ્યું છે. ખાસ કરીને જામનગર શહેરને પાણી પૂરું પાડતો રણજીતસાગર ડેમ ઓર ફલો થઈ ગયો છે, અને હાલ તેમાં પાણીની આવક ચાલુ હોવાથી ઓવરફ્લો ચાલુ રહ્યો છે.
ઉપરાંત વાગડીયા ડેમ પણ ઓવરફલો થયો છે.
અન્ય પાંચ જળાશયો જેમાં સપડા, વિજરખી, ફુલજર-2, રૂપાવટી, અને કોટડાબાવીસી જે ડેમો 70 થી 80 ટકા ભરાઈ ગયા છે, અને ટૂંક સમયમાં જ ઓવરફ્લો થવાની તૈયારીમાં છે. જેને લઈને ઇરીગેશન વિભાગ દ્વારા પાંચેય ડેમના નિચાણ વાળા વિસ્તારના નાગરિકોને સલામત સ્થળે રહેવા માટેની સૂચનાઓ આપવામાં આવી છે. રણજીત સાગર ડેમ ઓવરફ્લો થઈ ગયો હોવાથી જામનગરની રંગમતી નાગમતી નદી સુધી પાણી આવી પહોંચ્યું હતું, અને ખાલી ખમ રહેલી રંગમતી નદી આજે પાણીથી ભરાઇ છે, અને વ્હોરાના હજીરા પાસેથી પાણીનો પ્રવાહ પસાર થઈ રહ્યો છે. ત્યારે જામનગર શહેરના કેટલાક નીચાણવાળા વિસ્તારોમાં પણ ગતરોજ રાત્રે મહાનગરપાલિકાની ટીમ દ્વારા લોકોને સલામત સ્થળે ખસી જવાની સૂચનાઓ આપવામાં આવી હતી અને સલામત સ્થળે રહેવા જણાવાયું છે.


