Explore

Search

June 15, 2026

Contact us -7820092500

IAS Coaching

Committed suicide : વ્યાજખોરોનાં ત્રાસથી કંટાળી પરિવારનો સામુહિક આપઘાત, પોલીસ તપાસ શરૂ

મહેસાણા જિલ્લાના કડીમાં વ્યાજખોરોના ત્રાસથી કંટાળીને પતિ-પત્ની અને 10 વર્ષના બાળકે નર્મદા કેનાલમાં કૂદીને જીવન ટૂંકાવ્યું હતું. આ ઘટના બાદ પોલીસે તપાસ હાથ ધરી છે, જેમાં સ્યુસાઇડ નોટ મળી આવી છે. મળતી માહિતી અનુસાર, મહેસાણાના કડીમાં શંખેશ્વરમાં રહેતા 38 વર્ષીય ધર્મેશભાઈ પંચાલ, તેમની 26 વર્ષીય પત્ની ઉર્મિલાબેન અને 10 વર્ષીય પુત્ર પ્રકાશ સાથે નર્મદા કેનાલમાં ઝંપલાવીને આપઘાત કર્યો હતો. મૃતકોની કારમાંથી એક મોબાઈલ અને એક સ્યુસાઇડ નોટ મળી આવી છે.

આ નોટના આધારે પ્રાથમિક દ્રષ્ટિએ આ પરિવારે વ્યાજખોરોના ત્રાસથી આપઘાત કર્યો હોવાનું મનાય છે. સ્યુસાઇડ નોટમાં નાણાં અને વ્યાજ પર વ્યાજના ઉલ્લેખ છે, પરંતુ વ્યાજખોરોના નામનો સ્પષ્ટ ઉલ્લેખ નથી. પોલીસે ત્રણેય મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સરકારી હોસ્પિટલમાં ખસેડ્યા છે અને પરિવારના અન્ય સભ્યોના નિવેદનો નોંધીને વધુ કાર્યવાહી હાથ ધરી હતી. આપઘાત કરતા પહેલા ધર્મેશભાઈ પંચાલે સ્યુસાઇડ નોટમાં પોતાની વેદના વ્યક્ત કરતા લખ્યું હતું કે, ‘બધાને મારા છેલ્લા રામ રામ, મને પણ જીવન જીવવાની ઈચ્છા હતી.

પરંતુ કેટલાક માણસોએ મારી જિંદગી બરબાદ કરી નાખી છે. એ લોકોએ મારો ફાયદો ઉઠાવીને વ્યાજનું પણ વ્યાજ લીધું છે અને મને ધમકી આપતા હતા. મને માનસિક રીતે ખૂબ ટોર્ચર કરતા હતા. મારી પાસે મરવા સિવાય કોઈ રસ્તો નથી. હું એવા ચકડોળમાં ફસાઈ ગયો કે બહાર નીકળવું મારે માટે શક્ય નથી. આજે હું મરવા જઈ રહ્યો છું, તમે આ પત્ર વાંચશો ત્યારે હું આ દુનિયા છોડી ચૂક્યો હોઈશ. બધા ભેગા મળીને મને બહુ માનસિક ત્રાસ આપતા હતા.

હું થાકી ગયો છું, આજે મને કોઈ રસ્તો દેખાતો નથી. મારી જિંદગી ખતમ કરી નાખીશ પછી એ બધાને શાંતિ થશે. સરકારશ્રીને અપીલ કરું છું કે મારી સાથે થયું એ બીજા સાથે આ લોકો ન કરે એવી આશા રાખું છું.’ ચોંકાવનારી વાત એ છે કે સ્યુસાઇડ નોટમાં ધર્મેશભાઈએ એવું પણ લખ્યું હતું કે, ‘સરકારશ્રીને જણાવવાનું કે આ લોકો મારી પત્ની અને બાળકને જીવવા દે.’ આ વાક્ય સૂચવે છે કે કદાચ ધર્મેશભાઈ પોતે એકલા જ આત્મહત્યા કરવાના હતા, પરંતુ કયા સંજોગોમાં આખા પરિવારે સાથે મળીને આત્મહત્યા કરી લેતા ચકચાર મચી જવા પામી હતી. પોલીસે મૃતકોના મોબાઈલ ફોનના આધારે સમગ્ર ઘટનામાં તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. પોલીસ કોલ ડિટેલ્સના આધારે અથવા પરિવારના સભ્યોના નિવેદનના આધારે વ્યાજખોરોને બોલાવીને પૂછપરછ કરી શકે છે અને તેમની સામે ગુનો નોંધી શકે છે. આ કરુણ ઘટનાને પગલે પંચાલ પરિવાર અને સમગ્ર વિસ્તારમાં શોકનો માહોલ છવાઈ ગયો હતો.

 

Advertisement
error: Content is protected !!