સુરત શહેરના ભટારમાં રહેતો શ્રમિક પરિવાર મજૂરીકામ માટે રિક્ષામાં વેસુ જઈ રહ્યો હતો ત્યારે ઝોલી પ્લાર્ટી પ્લોટ પાસે કાર સાથે અકસ્માત સર્જાયો હતો. અકસ્માતને પગલે રિક્ષા પલટી થઈ ગઈ હતી. આ અકસ્માતમાં બે વર્ષના બાળકનું ઘટનાસ્થળે જ મોત થયું હતું. જ્યારે રિક્ષામાં સવાર અન્ય દશ જેટલા લોકોને સામાન્ય ઈજા પહોંચી હતી.
માહિતી મુજબ મહારાષ્ટ્રમાં ધુલીયાના વતની અને હાલ ભટાર વિસ્તારમાં આવેલ રસુલાબાદમાં રહેતા યોગેશભાઈ નીકાળજે મજૂરીકામ કરી પત્ની રાધિકા અને પુત્ર વિધવત (ઉ.વ. ૨) સહિતના પરિવારનું ગુજરાન ચલાવે છે. દરમિયાન રવિવારે યોગેશભાઈ અન્ય દશ જેટલા શ્રમિકો સાથે રિક્ષામાં મજૂરીકામ માટે વેસુ વિસ્તારમાં જતા હતા,ત્યારે વેસુ રોડ પર જોલી પાર્ટી પ્લોટ પાસેથી પસાર થતી વેળા રિક્ષાને કારે ટક્કર મારી હતી. અકસ્માતને પગલે રિક્ષા પલટી થઈ ગઈ હતી. ઘટનાને લઈ આસપાસના લોકો એકઠા થઈ ગયા હતા. આ મામલે રિક્ષામાં સવાર યોગેશભાઈનો પુત્ર વિધવતને ગંભીર ઈજા પહોંચી હતી. જેનું સ્થળ પરજ મોત નીપજ્યું હતું. જ્યારે અન્યરિક્ષામાં સવાર મુસાફરોને સામાન્ય ઈજા પહોંચી હતી. રિક્ષામાં સવારે રમણ પીપળે અને નમતાબેનને સારવાર માટે સિવિલ ખસેડયા હતા. વેસુ પોલીસે આ મામલે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી મૃતક વિધવતના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે સિવિલ ખસેડયો હતો. ઉલ્લેખનીય છે કે, અકસ્માતની ઘટનાને લઈ રાહદારી સહિતનો લોકો ઘટના સ્થળે એકઠા થઈ ગયા હતા. સમગ્ર મામલે સ્થાનિક વેસુ પોલીસને જાણ કરવામાં આવી હતી. જેથી ટીમ ઘટના સ્થળે પહોંચી હતી. પોલીસે કારના ચાલક ક્રિશ રાહુલ કેજરીવાલ (રહે. નંદનવન-૨, વેસુ)ની ધરપકડ કરી હતી. આરોપી ધોરણ ૧૨માં અભ્યાસ કરતો હોવાનું જાણવા મળ્યું હતું. વધુ તપાસ વેસુ પોલીસ કરી રહી છે.

