આપત્તિ વ્યવસ્થાપન, તબીબી કટોકટી, રાહત-બચાવ કામગીરી અને વીવીઆઈપી મૂવમેન્ટ દરમિયાન હેલીપૅડનો તાત્કાલિક ઉપયોગ થઈ શકે તે માટે ગુજરાત સરકારે રાજ્યના તમામ હયાત હેલીપૅડની નિયમિત જાળવણીના કડક આદેશ આપ્યા છે. માર્ગ અને મકાન વિભાગના પરિપત્ર મુજબ દરેક હેલીપૅડનું દર ત્રણ માસે ફરજિયાત સ્થળ નિરીક્ષણ કરવામાં આવશે.
નિરીક્ષણ દરમિયાન ખામી જણાય તો તાત્કાલિક મરામત કરાશે. સંબંધિત કાર્યપાલક ઇજનેરને હેલીપૅડ હંમેશા ઉપયોગલાયક સ્થિતિમાં રાખવાની જવાબદારી સોંપવામાં આવી છે, જ્યારે અધિક્ષક ઇજનેર દ્વારા સમયાંતરે સમીક્ષા કરવામાં આવશે. હેલીપૅડની સપાટી, પેવમેન્ટ, માર્કિંગ, ડ્રેનેજ અને એપ્રોચ વિસ્તારની જાળવણી ઉપરાંત દબાણ, અનધિકૃત બાંધકામ, વાહન પાર્કિંગ, કચરો અને ઝાડી-ઝાંખરા જેવા અવરોધો પણ દૂર કરાશે.


