ગાંધીનગર: નકલી અને ગેરકાયદેસર દવાઓ તેમજ ભેળસેળિયા ખાદ્યપદાર્થો સામે ગુજરાત સરકારે કડક વલણ અપનાવ્યું છે. ગાંધીનગર સચિવાલય ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરીયાની અધ્યક્ષતામાં ખોરાક અને ઔષધ નિયમન તંત્ર (FDCA)ની ઓગસ્ટ-૨૦૨૬ની કામગીરીની સમીક્ષા બેઠક યોજાઈ હતી. બેઠકમાં નાગરિકોના આરોગ્ય સાથે ચેડાં કરનાર તત્વો સામે ‘ઝીરો ટોલરન્સ’ની નીતિ હેઠળ કડક કાયદેસરની કાર્યવાહી ચાલુ રાખવા સૂચના આપવામાં આવી હતી.
FDCAની કાર્યવાહી દરમિયાન ગંભીર ક્ષતિઓ બદલ ૫૦ દવા પેઢીઓના વેચાણ લાયસન્સ રદ કરવામાં આવ્યા છે. જ્યારે રિસ્ક બેઝ્ડ ઇન્સ્પેક્શન હેઠળ ૨ દવા ઉત્પાદક પેઢીઓને ક્લોઝર ઓર્ડર, ૮ ઉત્પાદક પેઢીઓના લાયસન્સ સ્થગિત અને ૧૧ દવાઓના ઉત્પાદન લાયસન્સ રદ કરાયા છે. લેબોરેટરી પરીક્ષણમાં ગુણવત્તાના ધોરણોને અનુરૂપ ન જણાયેલી ૨૦ દવાઓના ઉત્પાદકોને કારણદર્શક નોટિસ ફટકારવામાં આવી છે.રાજ્યના ૪૨ બ્લડ સ્ટોરેજ સેન્ટરોની તપાસ દરમિયાન ૩ને ક્લોઝર ઓર્ડર અને ૧૨ને કારણદર્શક નોટિસ આપવામાં આવી છે. ગ્રામ્ય વિસ્તારોમાં એન્ટિબાયોટિક દવાઓની ગુણવત્તા ચકાસવા વિશેષ ડ્રાઇવ હાથ ધરી ૫૮૮ દવાઓના નમૂના લેવામાં આવ્યા હતા.
નશાકારક દવાઓના નેટવર્ક પર પણ તવાઈ : અમદાવાદ, ગાંધીનગર અને મહેસાણામાં નશાકારક તથા બનાવટી દવાઓના ગેરકાયદેસર નેટવર્ક સામે તપાસ હાથ ધરાઈ છે. વડોદરાના વાઘોડિયામાં SOG સાથેની સંયુક્ત કાર્યવાહીમાં મેડિકલ સ્ટોરની બાજુની દુકાનમાંથી ટ્રામાડોલ સહિતના નશાકારક ઇન્જેક્શનનો જથ્થો ઝડપાયો હતો. આ મામલે NDPS Act હેઠળ કાર્યવાહી હાથ ધરાઈ રહી છે.
બનાવટી ‘Nicardia Retard 10’ ટેબ્લેટના કેસમાં સપ્લાય ચેઇન સુધી તપાસ લંબાવવામાં આવી છે. ૩૦થી વધુ સ્થળોએ તપાસ દરમિયાન રૂ.૧.૭૫ લાખથી વધુનો શંકાસ્પદ જથ્થો જપ્ત/પ્રતિબંધિત કરાયો છે. લખનઉથી અમદાવાદ અને સાણંદ સુધી વિસ્તરેલી સપ્લાય ચેઇન સામે તપાસ આગળ ધપાવવામાં આવી છે અને સમગ્ર નેટવર્કના મૂળ ઉત્પાદક સુધી પહોંચવા અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચમાં ફરિયાદ નોંધાઈ છે.
ખાદ્ય ભેળસેળ સામે પણ મોટી કાર્યવાહી : ઓગસ્ટ દરમિયાન રાજ્યમાં ૨,૨૩૮થી વધુ ખાદ્ય વ્યવસાયોની તપાસ કરવામાં આવી હતી અને વિવિધ ખાદ્યપદાર્થોના ૨,૫૯૧ નમૂના લેબોરેટરી પરીક્ષણ માટે લેવાયા હતા. દરોડા અને તપાસ દરમિયાન તેલ, ઘી, દૂધ અને મરચાં પાઉડર સહિતનો કુલ ૪૨,૯૮૮ કિલોગ્રામ શંકાસ્પદ ખાદ્યજથ્થો, અંદાજે રૂ.૯૩.૪૭ લાખની કિંમતનો, જપ્ત કરવામાં આવ્યો હતો.મુખ્ય કાર્યવાહીમાં પાટણમાંથી ૧૪,૭૦૯ કિલો તેલ અને ૬,૪૯૫ કિલો ખાદ્ય તેલ, કામરેજ-સુરતમાંથી ૫,૧૫૭ કિલો ઘી, જામનગરમાંથી ૭,૧૩૮ કિલો દૂધ અને ડીસા-બનાસકાંઠામાંથી ૬,૦૭૧ કિલો મરચાં પાઉડરનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો હતો.
રેસ્ટોરન્ટ-ઢાબાઓ પર પણ નજર : રેસ્ટોરન્ટ અને ઢાબાઓમાં સ્વચ્છતા તથા ખાદ્ય ગુણવત્તા સુનિશ્ચિત કરવા ૧,૬૨૫થી વધુ એકમોનું નિરીક્ષણ કરાયું હતું. ક્ષતિઓ જણાતા ૩૦૬ એકમોને સુધારણા નોટિસ આપવામાં આવી, જ્યારે ગંભીર બેદરકારી બદલ ૩૮ એકમો સામે લાયસન્સ રદ કરવા સહિતની કાર્યવાહી હાથ ધરાઈ.
ડેરી એનાલોગના ગેરકાયદે વેચાણ સામે પણ કાર્યવાહી કરવામાં આવી હતી. ૩,૦૭૮ પેઢીઓની તપાસ, ૧૪૫ શંકાસ્પદ નમૂના અને રૂ.૭.૫૪ લાખની કિંમતનો ૨,૫૫૩.૧૦ કિલો બિન-ગુણવત્તાયુક્ત ડેરી એનાલોગનો જથ્થો નાશ કરાવવામાં આવ્યો હતો.
શ્રાવણ માસમાં દૂધ-ઘી-તેલ-મસાલા પર ખાસ વોચ : પવિત્ર શ્રાવણ માસ દરમિયાન તહેવારોને ધ્યાનમાં રાખીને દૂધ, ઘી, તેલ અને મસાલા જેવી રોજિંદા વપરાશની વસ્તુઓમાં ભેળસેળ ન થાય તે માટે સતત તપાસ અને દેખરેખ રાખવા આરોગ્ય મંત્રીશ્રીએ તંત્રને આદેશ આપ્યો છે.આ ઉપરાંત અમદાવાદના ત્રાગડમાં લાયસન્સ વિના ચાલતા ‘આનકી હર્બલ’માંથી રૂ.૨.૬૮ લાખથી વધુનો ગેરકાયદેસર કોસ્મેટિક્સનો જથ્થો તથા કપડવંજ-ધોળીકૂઇ ખાતે ગેરકાયદે બનાવવામાં આવતી ‘નાના બાળકો માટે રતવાની દવા’નો રૂ.૬૬,૪૦૦નો મુદ્દામાલ પણ જપ્ત કરવામાં આવ્યો છે.
આરોગ્ય મંત્રીએ સ્પષ્ટ કર્યું છે કે નાગરિકોને શુદ્ધ, સલામત અને ગુણવત્તાયુક્ત દવા તથા ખાદ્યપદાર્થો મળે તે સરકારની પ્રાથમિકતા છે. ભેળસેળ, નકલી દવા અને ગેરકાયદેસર પ્રવૃત્તિઓમાં સંકળાયેલા તત્વો સામે આગામી સમયમાં પણ કડક કાર્યવાહી અવિરત ચાલુ રહેશે.


