સુરત જિલ્લાનાં કામરેજ તાલુકાનાં ઉંભેળ ગામની સીમમાં અચાનક મોપેડ સ્લીપ થઈ જતા નીચે પટકાયેલા આધેડને પાછળથી આવી રહેલ ટ્રકે કચડી નાંખતા તેમનું ઘટના સ્થળે કમકમાટી ભર્યું મોત નીપજયું હતું. મુળ રાજસ્થાનનાં ભીલવાડા જિલ્લાનાં વતની અને હાલ સુરતનાં પાંડેસરા વિસ્તારમાં આવેલી ચીકુવાડી સામેની આવિર્ભાવ સોસાયટીમાં રહેતા ૩૯ વર્ષીય ઇન્દ્રસિંહ જોરાવરસિંહ રાઠોડ તેમનાં શેઠ મહેન્દ્રકુમાર શાહ (ઉ.વ.૫૩)ની સાથે તેમની મોપેડ લઈને ઉંભેળ ગામની સીમમાં મુંબઈથી અમદાવાદ જતા હાઈવે પરથી પસાર થઈ રહ્યા હતા. 
તે સમયે રોડ પર ડામરનું કામ ચાલુ હોવાનાં કારણે તેમનું મોપેડ સ્લીપ થઈ ગયું હતું. જેથી મહેન્દ્રકુમાર શાહ સીધા રોડ ઉપર પટકાયા હતા. જે દરમ્યાન પાછળથી આવી રહેલ ટ્રક મહેન્દ્રકુમાર શરીર ઉપરથી ફરી વળી હતી.
આ અકસ્માતમાં મહેન્દ્રકુમારને ડાબા હાથ, માધા, છાતી અને શરીરનાં અન્ય ભાગોમાં અત્યંત ગંભીર ઈજાઓ પહોંચતા તેમનું ઘટના સ્થળે જ કમકમાટીભર્યુ મોત થયું હતું. ઘટના અંગે કામરેજ પોલીસને જાણ કરાતા પોલીસની ટીમ તાત્કાલિક બનાવનાં સ્થળે દોડી આવી હતી. પોલીસે અકસ્માત સર્જનાર ટ્રકનાં ચાલક અમીતકુમાર શ્રીચંદ પાંડે (રહે.નવાગઢ જી.રાજકોટ મુળ રહે. પીપરાનાનકાર જી.સિદ્ધાર્થનગરાયુપી) વિરૂદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.

