કામરેજનાં વાવ ગામમાં બારડોલીથી આવી પહોંચેલા બે ઠગોએ ત્રણ કાર માલિકોને એનઆરઆઈ લોકોને ફેરવવાનાં બહાને કાર ભાડે લઇ ગયા બાદ ગીરવે મુકી ફરાર થઈ જવાનાં મામલે એક અને આજે બે મળી કુલ ત્રણ કાર માલિકોએ કામરેજ પોલીસ મથકે વિશ્વાસઘાત અને છેતરપિંડીનો ગુનો નોંધાવતા ચકચાર મચી ગઈ હતી.
મળતી માહિતી અનુસાર, કામરેજનાં વાવ ગામની સીમમાં રહેતા રાહુલ ઠાકોરભાઈ ભાલીયા અને મહેશ રમેશભાઈ ભાલીયા પાસે થોડા દિવસ પૂર્વે બારડોલી ખાતે રહેતા અંકીત પરેશ શાહ અને હિતેશ નામનો ઈસમ આવી જણાવેલ કે એનઆરઆઇ લોકોને ફેરવવા માટે કાર ભાડે જોઈએ છે
તેમ જણાવતા રાહુલભાઈએ જેમની ૪ લાખ કિંમતની ઈનોવા કાર અને મહેશભાઈએ જેમની ૩ લાખ કિંમતની અલ્ટ્રોઝ કાર ભાડે ફેરવવા માટે ભાડુ નક્કી કર્યા બાદ આપી દીધી હતી. જોકે એક મહિના બાદ કાર માલીકોએ અંકીત અને હિતેશનો સંપર્ક કરી કાર અને જેનું ભાડુ માંગવા જતા બંને ઈસમો અવાર-નવાર ગલ્લા તલ્લા કરી પૈસા આપવાની બાહેંધરી આપી બહાના કાઢતા હતા. પરંતુ કાર માલીકોને સમગ્ર મામલે આ ઈસમો પર શંકા જતા જેમણે તપાસ કરતા કુલ ૭ લાખ કિંમતની બંને કારને અજાણી વ્યક્તી પાસે ગીરવે મુકી દીધી હોવાનું જણાઈ આવતા કાર માલિકોનાં પગ તળેથી જમીન ખસી ગઈ હતી. તેમણે કામરેજ પોલીસ મથકે અંકીત પરેશ શાહ (રહે.બારડોલી), હિતેશ વિરૂદ્ધ છેતરપિંડી અને વિશ્વાસઘાતનો ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી હતી.


