અમરેલી શહેર અને જિલ્લામાં ભારે ઉકળાટ બાદ વહેલી સવારથી મેઘરાજાનું આગમન થયું છે. અમરેલી જિલ્લાના સાવરકુંડલા તાલુકામાં મોડી રાતથી વરસાદ ખાબકી રહ્યો છે. આજે વહેલી સવારે 6 વાગ્યાથી બપોરે 2 વાગ્યા સુધીમાં અમરેલી જિલ્લાના રાજુલામાં 66 મિ.મી., સાવરકુંડલામાં 58 મિ.મી., ખાંભામાં 37 મિ.મી., લીલીયામાં 35 મિ.મી., જાફરાબાદમાં 31 મિ.મી., બગસરામાં 20 મિ.મી., અમરેલીમાં 17 મિ.મી. વરસાદ ખાબક્યો છે. વરસાદને પગલે વાતાવરણમાં ઠંડક પ્રસરતાં લોકોને ગરમીમાંથી રાહત મળી છે. અમરેલી જિલ્લાના પીપાવાવ ધામ નજીક, ભારે વરસાદને કારણે સર્જાયેલા પાણીના પ્રવાહમાં ફસાયેલા મજૂરોને બચાવવા માટે રેસ્ક્યૂ કામગીરી શરૂ કરવામાં આવી છે.
પીપાવાવ ઇન્ડિયન કોસ્ટગાર્ડ, પ્રાંત અધિકારી, તાલુકા વિકાસ અધિકારી સહિતની ટીમો ઘટના સ્થળે પહોંચી ગઈ છે. પીપાવાવ ઇન્ડિયન કોસ્ટગાર્ડની ટીમ દ્વારા પાણીના પ્રવાહમાંથી આશરે 22 જેટલા મજૂરોને સુરક્ષિત બહાર કાઢવા માટે રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે.
સતત વરસાદ ચાલુ હોવા છતાં, અધિકારીઓને આશા છે કે થોડી જ વારમાં મોટાભાગના મજૂરોને સુરક્ષિત રીતે બહાર કાઢી શકાશે. અમરેલી જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં અનરાધાર વરસાદ ખાબક્યો છે, જેના કારણે જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ છે. અમરેલીથી ધારી હાઇવે પર ધોધમાર વરસાદને કારણે માર્ગો પર પાણી ફરી વળ્યા હતા.
નાના માશીયાળા ગામ નજીક એક વૃક્ષ ધરાશાયી થતાં તે એસટી બસ પર પડ્યું હતું. જેના કારણે થોડા સમય માટે વાહન વ્યવહાર ખોરવાયો હતો. દેવરાજીયા-માણીલા રોડ પર પણ ખેતરોના પાણી રોડ પર આવી જતાં માર્ગ પાણી-પાણી થઈ ગયો હતો, જેનાથી વાહનચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. અમરેલી જિલ્લાના લીલીયામાં ધોધમાર વરસાદ પડ્યો છે. ત્યારે લીલીયાના ભોરીગડા ગામે એસ.ટી બસ પાણીમાં ફસાઈ જતાં મુસાફરોના જીવ તાળવે ચોંટ્યા હતા. ભોરીગડા ગામે બની રહેલા કોઝવેના કારણે ડાયવર્ઝન અપાયું હતું. આ ડાયવર્ઝનમાં પાણી ભરાતાં બસ ફસાઈ ગઈ હતી. જોકે તમામ મુસાફરોનો આબાદ બચાવ થયો હતો. અમરેલી જિલ્લામાં સાર્વત્રિક વરસાદ પડ્યો છે. ક્યાંક ધોધમાર તો ક્યાંક ધીમી ધારે વરસાદ પડ્યો છે. વરસાદના પગલે અમરેલી શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં ભારે વરસાદ થતાં રોડ-રસ્તા, ખેતરો બેટમાં ફેરવાયા હોવાના દૃશ્યો જોવા મળ્યા હતા. ધીમી ધારે પડેલા વરસાદથી ખેડૂતોમાં ખુશી વ્યાપી ગઈ છે.
પરંતુ ખેડૂતો હજુ પણ વાવણી લાયક ભારે વરસાદની રાહ જોઈ રહ્યા છે. ધારી શહેર અને ધારીના ઝર, મોરજર, ખીચા, વીરપુર, દૂધાળા, પાતળા, બગસરાના મોટા મુંજયાસર, નાના મુંજયાસર, માનેકવાડા, હળીયાદ, શાપર, સુડાવડ અને ખાંભાના ડાઢીયાળી, દિવાના સરાકડીયા, કોદીયા, નાના કણકોટ અને નાના રાજકોટમાં વરસાદ ખાબક્યો છે. સાવરકુંડલાના ઘોબા પીપરડી, ફિફાદ અને ભમોદ્રા સહિતના ગામોમાં ધોધમાર વરસાદ ખાબક્યો છે. ઘાણો નદીમાં ઘોડાપૂર આવતાં ગામમાં આવવા જવાનો રસ્તો બંધ થઈ ગયો છે. ઘાણો નદીમાં પૂર આવતાં હનુમાનજી મંદિરે બે લોકો ફસાયા હોવાના અહેવાલ પ્રાપ્ત થયા છે. હાલમાં સ્થાનિક લોકો દ્વારા ફસાયેલા લોકોને બચાવવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. તો બીજી તરફ સાવરકુંડલા નજીક જાબાળ ગામે સૂરજ વડી નદી બે કાંઠે વહેવા લાગી છે. સૂરજ વડી નદી કાંઠે આવેલું હનુમાનજીનું મંદિર પણ પાણીમાં ગરકાવ થયું છે.


