બારડોલીના અકોટી ગામે આંબાવાડીમાંથી કેરી ચોરી કર્યાની શંકા સાથે મૂળ ઉત્તર પ્રદેશના સુરેશ વર્મા નામના વ્યક્તિને પાંચ શખ્સોએ ઝાડ સાથે બાંધી માર મારી ઝાડ સાથે બાંધી રાખી રૂા.૫૦,૦૦૦ માંગણી કરી હતી. આ દરમિયાન મારને કારણે સુરેશનું મોત નિપજતાં આરોપીઓએ તેની લાશ ગાડીમાં ભરી લઈ જઈને શામપુરા નહેરમાં ફેંકી દીધી હતી. આ ઘટનાને પગલે હરકતમાં આવેલી પોલીસે પાંચ સામે હત્યાનો ગુનો નોંધ્યો હતો.
મળતી માહિતી પ્રમાણે અકોટી ગામે આવેલી ખેડૂત રાકેશભાઈ કાંતિલાલ પટેલની આંબાવાડીમાં કેરીનો ધંધો કરવા રોકાયેલા ૬ વેપારીઓ પૈકીના સુરેશ રામમનોરથ વર્મા (ઉ. વ.૪૮, હાલ રહે.અકોટી, આંબાવાડી, તા.બારડોલી, મૂળ રહે, પૂરેના ગામ, જુડારા, હનુમાનગંજ, ઉત્તર પ્રદેશ)એ વાડીમાંથી કેરી ચોરી બારોબાર વેચી મારી હોવાનો આક્ષેપ કરીને આ જ વાડીમાં રોકાયેલા બારડોલીના અહેસાન પાર્કમાં રહેતા અને મૂળ યુપીના આસ્ફાક અબ્દુલ રઉફ રાયન, મોહમદ ઉમર જીયાઉદ્દીન મનિહાર (રહે. રાયમ ગામ, તા. બારડોલી, ઈશ્વર નરોત્તમ પટેલની વાડીમાં, મૂળ રહે. બહેતી, જિ. સુલતાનપુર ઉત્તર પ્રદેશ), યાકુબ અબ્દુલ ગફાર (રહે.રાયમ, મુળ રહે, ફતેપુર), વિનોદકુમાર ફુલચંદ અગ્રવાલ (રહે.રાયમ, મૂળ રહે.નગર પંચાલી કોપરીપુર, ઉત્તર પ્રદેશ) અને દશરથ ચુનીલાલ મૌર્ય (હાલ રહે.રાયમ, તા. બારડોલી, મુળ રહે. બહેતી, ઉત્તરપ્રદેશ) એ તકરાર કરી હતી. જેમાં અસ્ફાક રાયન, વિનોદ અગ્રવાલ, મોહમદ ઉમર મનીહાર, દશરથ મૌર્ય અને યાકુબ અબ્દુલ ગફારે સુરેશ વર્માને માર મારીને અધમુઓ કરીને વાડીમાં જ આંબાના ઝાડ સાથે બાંધી રાખીને રૂા.૫૦,૦૦0 ની માંગણી કરી હતી. આ પાંચેય લોકોએ સુરેશ વર્માને એટલો માર માર્યો કે, ઝાડ સાથે બાંધેલી હાલતમાં જ તેનું મોત નિપજ્યું હતુ. આ ઘટના બાદ પાંચેય આરોપીઓએ સુરેશની લાશ ગાડીમાં ભરી જઈને શામપુરા ગામેથી પસાર થતી નહેરમાં ફેંકી દીધી હતી. જો કે, બીજી તરફ સુરેશ વર્માના પુત્ર સુરજ વર્માએ પિતાની તપાસ કરતા તેને સમગ્ર ઘટનાની જાણકારી મળી હતી. જે બાદ તેમણે પોલીસને ફરિયાદ કરતા ગુનો દાખલ થયો હતો.


