ભરૂચ જિલ્લાનાં ઝઘડિયા તાલુકાના ગોવાલી ગામે નર્મદા બેટ વિસ્તારમાં બપોરના સમયે નર્મદા નદીમાં નહાવા પડેલા મિત્રો પૈકી ૨૨ વર્ષીય યુવક માર્વિક પટેલ ઉંડા પાણીમાં ગરકાવ થયા બાદ લાપતા બન્યો હતો. જોકે દોઢ દિવસથી ફાયર ભિગેડની ટીમ દ્વારા યુવકની શોધખોળ કરવામાં આવી હોવા છતાં રવિવારની સાંજ સુધી યુવકનો ક્યાંય પત્તો લાગ્યો નથી. મળતી માહિતી મુજબ, ગોવાળી ગામે અંબાજી ફળિયામાં રહેતો માર્વિક પિન્કેશભાઈ પટેલ (ઉ.વ ૨૨) ગત તારીખ ૧૩ના રોજ બપોરના સમયે તેના મિત્રો સાથે નર્મદા નદીમાં નહાવા માટે ગયો હતો. તે દરમિયાન માર્વિક અચાનક નદીના વહેણમાં તણાયો હતો અને ઊંડા પાણીમાં ગરકાવ થયો હતો.
તેના સાથી મિત્રો દ્વારા માર્વિકને બચાવવા માટે પ્રયાસો કરવામાં આવ્યા હતા. પરંતુ નદીના ઉંડા પાણીમાં કોઈ અતોપતો લાગ્યો નહતો. ગોવાલી ગામમાં માર્વિક પાણીમાં ગરકાવ થવાની વાત વહેતી થતાં નદી કિનારે લોક ટોળા ઉમટયા હતા. શરૂઆતમાં ગામના તરવૈયાઓ દ્વારા શોધખોળ હાથ ધરવામાં આવ્યાં બાદ ભરૂચ ફાયર બ્રિગેડની ટીમનો સંપર્ક કરવામાં આવ્યો હતો.
ગત બપોરના સમયેથી સ્થાનિક તરવૈયાઓ તથા ફાયર બિગેડની ટીમ દ્વારા નદીમાં ગરકાવ થયેલા માર્વિક પટેલની શોધખોળ કરવામાં આવી રહી છે. બીજી તરફ અંકલેશ્વર નજીક ગોલ્ડન બ્રિજ નીચે કોવિડ સ્મશાન પાસે નદીના પાણીમાં એક યુવકની લાશ તરતી હોવાનું સ્થાનિક નાવિકોના ધ્યાને આવ્યું હતું. મૃતદેહને નદીના પાણીમાંથી બહાર કાઢયો હતો. મૃતદેહ બહાર કાઢ્યા બાદ તપાસ કરતા તેની ઓળખ માર્વિક પટેલ તરીકે થઈ હતી જેના કારણે પરિવાર ભાંગી પડયો હતો. તેમજ બનાવ અંગે અને આ ઘટનાને લઈ પંથકમાં શોકની લાગણી છવાઈ ગઈ હતી.(ફાઈલ ફોટો)


