વલસાડ જિલ્લાનાં ઓરવાડ શીયાર ખાડી વિસ્તારમાંથી દારૂનાં મુદ્દામાલ સાથે એક ઈસમને ઝડપી પાડી હતી, જ્યારે ચાર મહિલા સહિત પાંચ જણાને પોલીસ ચોપડે વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા હતા. મળતી માહિતી મુજબ, વલસાડ એલ.સી.બી.ની ટીમ પ્રોહિ.ના ગુના અટકાવવા માટે પેટ્રોલિંગમાં હતી. તે દરમિયાન મળેલી બાતમીને આધારે પોલીસ ટીમ ઓરવાડ શીયાર ખાડી પાસે નેશનલ હાઈવેના સર્વિસ રોડ પર પહોંચી હતી. ત્યાં ચાર મહિલા અને બે પુરુષો નાના-મોટા થેલાઓ સાથે ઊભા હોવાનું જણાતા પોલીસે તેમની તરફ આગળ વધતા તેઓએ ભાગવાનો પ્રયાસ કર્યો હતો.
જેથી પોલીસે પીછો કરીને અનિકેત વિલાસ જાદવ (રહે.ઓરવાડ,ડુંગર ફળિયા,ઉદવાડા,પારડી)ને ઝડપી પાડયો હતો, જ્યારે ચાર મહિલા અને એક ઈસમ રેલવે ટ્રેક નજીકના ઝાડીઓમાં ભાગી છૂટયા હતા. આમ, પોલીસે સ્થળ પરથી ૨૪ થેલાઓની તપાસ કરતા તેમાંથી દારૂની કુલ ૧,૯૨૪ બોટલ મળી આવી હતી. જેની કિંમત રૂપિયા ૪,૧૯,૪૪૯/- થાય છે. ઉપરાંત આરોપી પાસેથી એક મોબાઇલ ફોન પણ કબજે કરવામાં આવ્યો હતો.
આમ પોલીસે કુલ રૂપિયા ૪,૨૪,૪૪૯/-નો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો હતો. જોકે પૂછપરછ દરમિયાન અનિકેત જાદવે જણાવ્યું હતું કે, લાલા ભરતભાઈ ઠાકુર (રહે.ઉદવાડા,ઝંડા ચોક,પારડી)એ તેને ફોન કરીને દારૂના થેલા બસમાં ચડાવવાનું કામ સોંપ્યું હતું. દરેક થેલો ચડાવવા બદલ રૂ.૧૦૦ આપવાનું નક્કી કરવામાં આવ્યું હતું. જયારે સ્થળ પર ચાર મહિલાઓ પણ હાજર હતી, જે દારૂ ભરેલા થેલાઓ લઈને આવી હતી. પોલીસે અનિકેત વિલાસ જાદવની ધરપકડ કરી તેની સામે ગુજરાત પ્રોહિબિશન એક્ટની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધ્યો હતો.(ફાઈલ ફોટો)


