Explore

Search

May 14, 2026

Contact us -7820092500

IAS Coaching

સગો પુત્ર હયાત અને કમાવવા સક્ષમ હોય તો માતાને સાવકા પુત્રો પાસે ભરણપોષણ મેળવવાનો હક નથી

પોતાના સગા પુત્ર હયાત હોવા છતાં બીજા પતિના સાવકા પુત્રો પાસેથી માસિક રૂપિયા 60 હજાર ભરણ પોષણ વસુલ અપાવવા 63 વર્ષીય સાવકી માતાએ કરેલી અરજીને સુરત ફેમીલી કોર્ટના પ્રિન્સીપલ જજ એમ.એન.મન્સુરીએ નકારી કાઢી છે.કોર્ટે જણાવ્યું હતું કે અરજદાર મહીલાના પ્રથમ લગ્નથી જન્મેલા 38 વર્ષીય સગો પુત્ર હયાત અને કમાવવા સક્ષમ હોય ત્યારે સાવકા પુત્રો પાસેથી ભરણ પોષણ માંગવા માટે હક્કદાર નથી.

સુરતના ભટાર વિસ્તારમાં રહેતા 63 વર્ષીય જ્યોત્સનાબેનના પ્રથમ લગ્ન વલસાડ ખાતે રહેતા હિમ્મતભાઈ સાથે 45 વર્ષ પહેલાં થયા હતા.પરંતુ 23 વર્ષ પહેલાં હિંમતભાઈ તથા જ્યોત્સનાબેનનું દાંપત્યજીવનમાં ખટરાગ પેદા થતાં રૂપિયા 8.50  કાયમી ભરણ પોષણ પેટે મેળવીને બંને પક્ષકારોએ સંમતિથી છુટાછેડા લીધા હતા.જે અગાઉના લગ્નજીવનથી થયેલા 38 વર્ષીય પુત્ર પોતાના પરિવાર સાથે વલસાડ ખાતે રહેતા હતા. જ્યારે કિશોરભાઈના પ્રથમ લગ્ન મીનાબેન સાથે થયા હતા.જે લગ્નથી તેમને બે પુત્રોનો જન્મ થયો હતો.પરંતુ પત્ની મીનાબેન વર્ષ-2012માં કેન્સરની બિમારીથી નિધન થયું હતુ.જેથી ડીવોર્સી જ્યોત્સનાબેન વિધુર કિશોરભાઈ સાથે વર્ષ-2018માં બીજા લગ્ન કરીને તેમની સાથે રહેવા આવી ગયા હતા.

બંને વૃધ્ધ દંપતિ પોતાના બે સાવકા પુત્રો સાથે એક જ મિલકતમાં ઉપર-નીચે રહેતા હતા.પરંતુ બીજા લગ્ન બાદ વર્ષ-2023માં પિતા કિશોરભાઈનું નિધન થતાં પોતાની 63 વર્ષીય સાવકી માતા જ્યોત્સનાબેનનું ભરણપોષણ સહિતની તમામ જવાબદારી તેમના બે સાવકા  પુત્રો નિભાવતા હતા.તેમ છતાં આર્થિક પરિસ્થિતિની ઉપરવટ જઈને સાવકી માતાએ હાઈ લાઈફ સ્ટાઈલ માટે વધુ પડતાં નાણાંની માંગણી કરતાં બંને સાવકા પુત્રોએ ઈન્કાર કર્યો હતો.જેથી સાવકી માતા જ્યોત્સનાબેને પોતાના બંને સાવકા પુત્રો વિરુધ્ધ માસિક રૂપિયા 60 હજાર ભરણ પોષણ વસુલ અપાવવા સુરત ફેમીલી કોર્ટમાં ધા નાખી હતી.જેની પ્રારંભિક સુનાવણી દરમિયાન સાવકા પુત્રો તરફે પ્રીતીબેન જોશીએ વાંધા અરજી રજુ કરીને જણાવ્યું હતું કે, અરજદાર મહીલાએ પોતાના પ્રથમ લગ્નથી થયેલા સગા પુત્રની હકીકત છુપાવીને સાવકા પુત્રો પાસેથી ભરણ પોષણ મેળવવા માંગ કરી છે. કુદરતી સંતાન ન હોય ત્યારે અરજદાર માતા સાવકા પુત્રો પાસેથી ભરણ પોષણ માંગી શકે.પરંતુ હાલમાં અરજદાર માતાના અગાઉના લગ્નથી થયેલા સગા પુત્રની ઉંમર 38 વર્ષની હોવા ઉપરાંત કમાવવા સક્ષમ છે.જેથી સાવકા પુત્રો પાસેથી ભરણ પોષણ માટે કરેલી માંગ કાયદેસર રીતે ટકવાપાત્ર નથી. જેના સમર્થનમાં સુપ્રિમ કોર્ટનો કીર્તીકાંત વડોદરીયા વિ.સ્ટેટ ઓફ ગુજરાતના કેસમાં  પ્રસ્થાપિત ચુકાદા રજુ કર્યા હતા. જેને ફેમીલી કોર્ટે માન્ય રાખી અરજદાર 63 વર્ષીય સાવકી માતાએ પોતાના સાવકા પુત્રો પાસેથી કરેલી ભરણપોષણની માંગને નકારી કાઢી છે. (સાભાર)

Advertisement
error: Content is protected !!