મૂળ મહારાષ્ટ્રની વતની અને ૧૧ વર્ષની પુત્રી ધરાવતી મહિલાનાં અગાઉનાં પતિને નશાની લત હોવાનાં કારણે છૂટાછેડા થઇ ગયા હતા. ત્યારબાદ મહિલાએ ઉમરા ખાતે બીજા લગ્ન કર્યા હતા, પરંતુ બીજા પતિએ બાળકીને સ્વીકારવાનો સ્પષ્ટ ઇનકાર કરી દેતા તે સંબંધ પણ તૂટી ગયો હતો. આ કપરા સમય વચ્ચે આશરે છ મહિના પહેલા મહિલાનો સંપર્ક કામરેજનાં શેખપુર સ્થિત અક્ષરવિલા સોસાયટીમાં રહેતા અને મૂળ ભાવનગર જિલ્લાનાં મહુવા તાલુકાનાં ડુંગર ગામનાં વતની જીતુ શામદાસ ટીલાવત સાથે થયો હતો. જીતુએ મહિલાને કાયમ માટે સાથ નિભાવવાની અને વિધિવત લગ્ન કરવાની ખાતરી આપતા બંનેએ હિન્દુ વિધિ અનુસાર એકબીજાને ફૂલહાર પહેરાવી પતિ-પત્ની તરીકે સાથે રહેવાનું શરૂ કર્યું હતું. આ સહજીવન દરમ્યાન જીતુએ મહિલા સાથે શારીરિક સંબંધો બાંધ્યા હતા, જેનાં કારણે મહિલા ગર્ભવતી બની હતી.
જોકે તબીબી તપાસ દરમ્યાન ગર્ભસ્થ બાળકનાં ધબકારા અચાનક બંધ થઇ જતા ભારે આઘાત વચ્ચે ગર્ભાશય સાફ કરાવવાની ફરજ પડી હતી. આ ઘટના બાદ મહિલાએ પોતાનાં ભવિષ્ય અને સુરક્ષા માટે જીતુ પાસે કાયદેસરનાં લગ્નનું લખાણ કરી આપવાની માંગણી કરી હતી. જોકે જીતુ સમાજને ભેગો કરવાનું બહાનું કાઢી લખાણ ટાળવા લાગ્યો હતો. એટલું જ નહીં, આ બાબતે તકરાર કરીને તે મહિલા પર અમાનુષી અત્યાચાર ગુજારી મારઝૂડ કરવા લાગ્યો હતો. આ દરમ્યાન જીતુ અચાનક બીમાર પડતા તે પોતાનાં વતન સારવાર અર્થે દાખલ થયો હતો. તેની ગેરહાજરીમાં મહિલા કોઈ રીતે સુરત સ્થિત પોતાનાં માનેલા ભાઈનાં ઘરે આશરો મેળવવા પહોંચી ગઇ હતી. ઘટના અંગે કામરેજ પોલીસ મથકે મહિલાએ જીતુ શામદાસ ટીલાવત વિરૂદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે ગુન્હો નોંધી જરૂરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.(સૌજન્ય)


