સુરત જિલ્લાનાં ઓલપાડ તાલુકાનાં ઓલપાડ-સાયણ મેઈન રોડને અડીને દેલાડ ગામની સીમમાં આવેલ રામકિશન કોલોનીમાં રહેતા યુવકના કુટુંબીભાઈઓ સાથેની જુની અદાવતમાં અજય વાઘેલા નામના શખ્સે રાતે કોલોનીના ગેટ પાસે ઠંડા પીણાંની કાચની તુટેલી બાટલીથી યુવક પર હુમલો કરી લોહી-લુહાણ કર્યો હતો. હુમલાખોર અને તેના ૩ સાગરીતોએ યુવક અને બે કુટુંબીભાઈઓને જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. મળતી માહિતી મુજબ, દેલાડ ગામની સીમમાં રામકિશન કોલોનીમાં તારાબેન સંજયભાઈ નાયકા રહે છે.
કારેલી વિસ્તારની ઈન્ડસ્ટ્રીઝમાં મજુરી કામ કરતી તારાબેને ઓલપાડ પોલીસ મથકમાં કુલ ચાર શખ્સો વિરૂધ્ધ પોલીસ ફરીયાદ નોંધાવી છે કે,ગત તારીખ ૭ ઓક્ટોબર નારોજ તેનો પુત્ર મેહુલ જયારે રંગોલી ચોકડી ઉપર ચાહ પીવા જઈ રહ્યો હતો. તે સમયે કોલોનીના ગેટ પાસે તેના કુટુંબીભાઈ સાથેની જુની અદાવતમાં આરોપી સુરેશ બળવંત રાઠોડ, અજય ઘેલા વાઘેલા અને બિપીન તથા ચિમન નામના બે શખ્સો મળી કુલ ચાર શખ્સોએ તેના કુટુંબી કરણ મનોજ નાયકા અને તેના ભાઈ અર્જુનને ગંદી ગાળો બોલી જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી.
જયારે બિપિન નામના શખ્સે લાકડાંનો ડંડો વિંઝોળી તેઓને ધમકાવ્યા હતાં અને અજય વાઘેલા આ બબાલ સમયે સ્થળ ઉપર કારમાં આવ્યો હતો અને તેનો પુત્ર મેહુલ જયારે આરોપીઓને ઝઘડો ન કરવા સમજાવી રહ્યો હતો, ત્યારે તેઓએ ગાળો બોલી ત્રણે ભાઈઓને જાનથી મારી નાંખવાની ધમકી આપી ઢીક્કા-મુક્કીનો માર માર્યો હતો. આ ઉપરાંત અજય વાઘેલાએ મેહુલ ઉપર ઠંડા પીણાની કાચની બાટલી તોડી હુમલો કરતા તેને ગંભીર ઈજા થવાથી લોહી-લુહાણ થઈ ગયો હતો. જેથી તેને સાયણ ખાતેની જીવનરક્ષા હોસ્પિટલમાં સારવાર અપાઈ હતી. બનાવ અંગે પોલીસે ગુન્હો નોંધી જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી.(સૌજન્ય)


